Mon Oct 05 2026

Logo

ખોટા આદિજાતિ પ્રમાણપત્રો સામે કડક કાર્યવાહી; છેલ્લા 2 વર્ષમાં 75 સર્ટિફિકેટ રદ્દ કર્યાંની જાહેરાત

2026-09-10 17:47:21
Author: Vimal Prajapati
ખોટા આદિજાતિ પ્રમાણપત્રો સામે કડક કાર્યવાહી; છેલ્લા 2 વર્ષમાં 75 સર્ટિફિકેટ રદ્દ કર્યાંની જાહેરાત

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ગૃહમાં આદિજાતિના ખોટા પ્રમાણપત્રો રદ કરવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો તે અંગે સરકાર દ્વારા વિગતો આપવામાં આવી છે. આ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતાં આદિજાતિ વિકાસ પ્રધાન નરેશ પટેલે જણાવ્યું કે, સાચા આદિવાસીઓનો હક કોઈ છીનવી ન લે તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. જે લોકોએ ખોટા આદિજાતિ પ્રમાણપત્રો બનાવી દીધા હતા તેવા કેટલાક પ્રમાણપત્ર રદ્દ કરી દેવામાં આવ્યાં હોવાનું પ્રધાને જણાવ્યું છે.

જસ્ટિસ કારીયા કમિટીની તપાસ બાદ લેવાયો નિર્ણય

વધારે વિગતો આપતા આદિજાતિ વિકાસ પ્રધાન નરેશ પટેલે કહ્યું કે, જસ્ટિસ કારીયા કમિટી દ્વારા સ્વીકાર્યા બાદ રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં તારીખ 1લી ઓગસ્ટ 2024થી 31 જુલાઈ 2026 સુધી કુલ 75 જેટલા ખોટા આદિજાતિ પ્રમાણપત્રો રદ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગાંધીનગર-2 વિશ્લેષણ સમિતિ સમક્ષ આવેલી કુલ 1,776 અરજીઓમાંથી 619 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. 

વધુ વિગતો આપતા આદિજાતિ વિકાસ પ્રધાન નરેશ પટેલે કહ્યું કે, યુવાનોની વર્ષોની મહેનત અને તેમની કારકિર્દી સાથે પ્રમાણપત્રો સંકળાયેલા હોવાથી તેની ખરાઈની પ્રક્રિયા અત્યંત ગંભીરતા, પારદર્શિતા અને ઊંડાણપૂર્વક હાથ ધરવામાં આવે છે. જો ખરાઈ દરમિયાન કોઈ પ્રમાણપત્ર ખોટા હોવાનું સાબિત થાય, તો આદિજાતિ વિભાગ દ્વારા તાત્કાલિક સંબંધિત વિભાગને જાણ કરવામાં આવે છે. ત્યારબાદ નિયમો મુજબ નોકરી અથવા અન્ય મળેલા લાભો પરત ખેંચવા સહિતની જરૂરી દંડાત્મક કાર્યવાહી સંબંધિત વિભાગ દ્વારા કરવામાં આવે છે.