Mon Oct 05 2026

Logo

જેલમાં માછીમાર, ઘરમાં આર્થિક આધાર: સરકારની દૈનિક સહાયનો આ રહ્યો આંકડો...

2026-02-27 15:31:52
Author: Mayur Patel
જેલમાં માછીમાર, ઘરમાં આર્થિક આધાર: સરકારની દૈનિક સહાયનો આ રહ્યો આંકડો...

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા સત્ર દરમિયાન પાકિસ્તાને પકડેલા માછીમારોનો પ્રશ્ન ઉઠ્યો હતો. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વિધાનસભા ગૃહમાં પૂછ્યું કે, 31-12-2025ની સ્થિતિએ પાકિસ્તાન દ્વારા પકડાયેલા ગુજરાતી માછીમારોના કુટુંબના જીવનનિર્વાહ માટે રાજ્ય સરકાર કેટલી રકમની સહાય ચૂકવે છે, આ સહાયના દરો ક્યારથી અમલમાં છે, આ રકમમાં છેલ્લે કેટલો વધારો કરવામાં આવ્યો હતો અને છેલ્લા બે વર્ષમાં વર્ષવાર કેટલા માછીમાર કુટુંબોને સહાય ચૂકવવામાં આવી?

વિમલ ચુડાસમાના પ્રશ્નનો જવાબ આપતાં મત્સ્યોદ્યોગ પ્રધાને જણાવ્યું કે, પાકિસ્તાન દ્વારા પકડવામાં આવેલા માછીમારના કુટુંબને જીવનનિર્વાહ માટે દૈનિક રૂ. 300 સહાય ચૂકવવામાં આવે છે. આ સહાયના દરો 1 એપ્રિલ 2019થી અમલમાં છે અને આ તારીખે જ  150 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 2024માં 105 અને 2025માં 101 માછીમાર કુટુંબોને સહાય ચૂકવવામાં આવી હતી.

છેલ્લા બે વર્ષમાં કેટલા માછીમારોના પાકિસ્તાનની જેલમાં મૃત્યુ થયા 

તાજેતરમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ વિધાનસભામાં મત્સ્યોદ્યોગ પ્રધાનને પૂછ્યું કે, તા. 20-01-2026ની સ્થિતિએ રાજ્યના કુલ કેટલા માછીમારો પાકિસ્તાનની જેલમાં છે અને ઉક્ત સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કેટલા માછીમારોના પાકિસ્તાનની જેલમાં મૃત્યુ થયા છે તેમજ તેમને છોડાવવા શું પ્રયત્નો કરવામાં આવ્યા?

જેનો જવાબ આપતાં સરકારે જણાવ્યું, ગુજરાતના 128 માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે. તા. 21-01-2024 થી 20-01-2025 સુધી બે અને તા. 21-01-2025 થી તા. 20-01-2026 સુધી એક મળી કુલ ત્રણ ગુજરાતી માછીમારના પાકિસ્તાનની જેલમાં મૃત્યુ થયા છે. રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારને માછીમારોને વહેલી તકે મુક્ત કરાવવા બાબતે સમયાંતરે પત્રો પાઠવવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનન કરાચીની જેલમાં રહેલા ઉના તાલુકાના ચીખલી ગામના માછીમાર ભગાભાઈ બામણીયા અચાનક બીમાર થતા તેને પાકિસ્તાનની હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા. જ્યાં ગત 16મી જાન્યુઆરીના દિવસે તેમનું અવસાન થયું હતું. ગંભીર હાલતમાં કરાચી જેલમાંથી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા માછીમાર ભગાભાઈ સાથે માનવ અધિકારોનું હનન થાય તે પ્રકારે હોસ્પિટલના પલંગ પર લોખંડની બેડીઓ સાથે બાંધીને સારવાર કરવામાં આવતી હોય તેવો વીડિયો સામે આવ્યો હતો.