Mon Oct 05 2026

Logo

ગુજરાતમાં ગાંધી જયંતિથી ખાદી અને પોલીવસ્ત્રમાં 30 ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય અપાશે

2026-10-01 16:58:44
Author: Mumbai Samachar Team
ગુજરાતમાં ગાંધી જયંતિથી ખાદી અને પોલીવસ્ત્રમાં 30 ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય અપાશે

 

ગાંધીનગર: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ખાદીના વિચારને ખરા અર્થમાં જીવંત રાખવા તથા ખાદી દ્વારા ગુજરાતના હજારો કારીગરોને સતત રોજગારી મળી રહે તે હેતુથી  ગુજરાત સરકાર દ્વારા ગાંધી જયંતી નિમિત્તે એક અત્યંત મહત્વપૂર્ણ અને પ્રજાભિમુખ નિર્ણય લેવામાં આવ્યો છે. 

30 ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય આપવાની જાહેરાત 

જે અંતર્ગત ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ દ્વારા તા. 2 ઓક્ટોબર થી 31 ડિસેમ્બર,2026  સુધી ખાદી અને પોલિવસ્ત્રની માન્ય સંસ્થાઓ-મંડળીઓ દ્વારા ઉત્પાદિત ખાદી અને પોલિવસ્ત્રની ઉત્પાદનની કિંમત પર 30 ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે, જેનો સીધો લાભ ગ્રાહકોને ખાદી વેચાણ કેન્દ્રો મારફત ખરીદી પર મળનારા વળતર સ્વરૂપે થશે.

વેચાણમાં નોંધપાત્ર વધારો થવાની શકયતા  

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની વિશેષ પહેલ "ખાદી ફોર નેશન અને ખાદી ફોર ફેશન", "વોકલ ફોર લોકલ" તેમજ "હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી"ની થીમને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયના પરિણામે આગામી ધાર્મિક તહેવારો, જાહેર તેમજ સામાજિક પ્રસંગોમાં નાગરિકો સ્વદેશી ખાદી તરફ વધુ આકર્ષાશે અને તેના વેચાણમાં નોંધપાત્ર વધારો થશે. 

રાજ્યમાં ખાદીનું વેચાણ વધવાથી ગુજરાતની KVICનું પ્રમાણપત્ર ધરાવતી અને ખાદી બોર્ડના ઈ-કુટીર પોર્ટલ પર નોંધણી થયેલ અંદાજિત ૨૨૦ થી વધુ માન્ય ખાદી સંસ્થા/મંડળીઓના ખાદી અને પોલિવસ્ત્રના ઉત્પાદનની કામગીરી સાથે સંકળાયેલ અંદાજે ૧૬ હજારથી વધુ કાંતનાર અને વણનાર કારીગરોને સતત રોજગારી મળતી રહેશે. આ સહાય યોજના અંતર્ગત ઉત્પાદિત આસન, શેતરંજી, રેશમ પટોળા, ઊની સ્વેટર, જર્સી, શાલ અને ખાદીના વિવિધ રેડિમેઇડ ગારમેન્ટ્સ જેવાં ઉત્પાદનોની બહોળા પ્રમાણમાં ખરીદી થવાથી સ્થાનિક ગ્રામીણ અર્થતંત્રને મજબૂતી મળશે.

રાજ્યમાં ત્રણ સ્થળોએ  ખાસ પ્રદર્શન-સહ-વેચાણ મેળાઓનું  આયોજન 

આ ઉપરાંત, ખાદીના વેચાણને વ્યાપક પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ શહેરોમાં ખાસ પ્રદર્શન-સહ-વેચાણ મેળાઓનું દર વર્ષે આયોજન પણ કરવામાં આવે છે. ચાલુ વર્ષે ગાંધી જયંતી નિમિત્તે તા. 02 થી 07  ઓક્ટોબર દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ખાતે, તા. 01 થી 10  ઓક્ટોબર દરમિયાન ભરૂચ ખાતે અને તા. 11 થી 17  ઓક્ટોબર દરમિયાન વડોદરા ખાતે ખાદી પ્રદર્શન-સહ-વેચાણ મેળાઓ યોજાશે. 

વસ્ત્રોની ખરીદી કરીને સ્થાનિક કારીગરોને પ્રોત્સાહિત કરવા અપીલ

રાજ્ય સરકાર દ્વારા તમામ નાગરિકોને આ મેળાઓની મુલાકાત લઈ સ્વદેશી ખાદી વસ્ત્રોની ખરીદી કરીને સ્થાનિક કારીગરોને પ્રોત્સાહિત કરવા અપીલ કરવામાં આવી છે.