અમદાવાદઃ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પક્ષના ૧૧ નેતાને રાજ્ય કારોબારી સમિતિના સભ્યો તરીકે નિયુક્ત કર્યા છે. રાજ્ય કારોબારીના ઘણા વર્તમાન સભ્યોને અન્ય સંગઠનાત્મક જવાબદારીઓ સોંપવામાં આવ્યા પછી રહેલી ખાલી જગ્યાઓ ભરવા માટે આ નિમણૂકો કરવામાં આવી હતી.
પક્ષના સંગઠનાત્મક આદેશ અનુસાર, આ નિમણૂકોની જાહેરાત બુધવારે કરવામાં આવી હતી અને તે તાત્કાલિક અમલમાં આવશે. જેમાં રાજેન્દ્ર ત્રિવેદી (વડોદરા), ડો. મુકેશભાઈ રાઠવા (છોટા ઉદેપુર), શરદભાઈ લાખાણી (અમરેલી), કિશોરભાઈ ગાવિત (કર્ણાવતી), મનીષભાઈ પટેલ (કર્ણાવતી), અરૂણાબેન ચૌધરી (ગાંધીનગર), શિલ્પેશભાઈ દેસાઈ (વલસાડ), વિશાલભાઈ ભરવાડ (કર્ણાવતી), નંદીતાબેન ઠાકુર (ખેડા), ડૉ. જાનકીબેન આચાર્ય (કર્ણાવતી), તેમ જ કનુભાઈ અરવિંદભાઈ પટેલ (મહેસાણા)નો સમાવેશ થાય છે. આ સાથે શહેર-જિલ્લા પ્રભારીના નામની પણ જાહેરાત કરવામાં આવી છે.
આ યાદીમાં બ્રાહ્મણ નેતા એડવૉકેટ રાજેન્દ્ર ત્રિવેદીના નામે રાજકીય વર્તુળોનું ધ્યાન ખેંચ્યું છે. વર્ષ 2021માં ભુપેન્દ્ર પટેલની સરકારમાં મહેસૂલ વિભાગ અને કાયદો અન્ય ન્યાય વિભાગતેમની પાસે હતો. ઑગસ્ટ, 2022ના સમયગાળામાં તેમની પાસેથી મહેસૂલ વિભાગ લઈ લેવામાં આવ્યો હતો, જે ઘણો ચર્ચાનો વિષય બન્યો હતો. હવે ફરી તેમનો કારોબારીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.