ભુજ: કચ્છની ભાતીગળ લોકસંસ્કૃતિના પ્રતીક અને 'મિની તરણેતર' તરીકે સમગ્ર રાજ્યમાં ખ્યાતનામ મોટા યક્ષ બૌંતેરાના ઐતિહાસિક મેળાનો આગામી તા. ૨૭ સપ્ટેમ્બર, રવિવારથી વિધિવત પ્રારંભ થશે. મેળા સમિતિ તેમજ ભોવા પરિવારના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મેળાના ઉદ્ઘાટન પ્રસંગે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ સહિત રાજકીય-સામાજિક અગ્રણીઓ અને સરકારી અમલદારો વિશેષ ઉપસ્થિત રહેશે.
મેળા અધ્યક્ષ જયંતીભાઈ નાકરાણી, ઉપાધ્યક્ષ મહિપતસિંહ જાડેજા તેમજ તલાટી રઘુવીરસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર, મેળા પરિસરમાં ૧૬ એકરથી વધુ વિસ્તારમાં નાના-મોટા ધંધાર્થીઓ માટે પ્લોટ ફાળવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે.
ચાલુ વર્ષે પ્રવર્તતા આકરા ભાદરવી તાપના કારણે પાછલા વર્ષોની જેમ મેળામાં સહેલાણીઓ દિવસ કરતાં રાત્રિના સમયે વધુ ઉમટી પડે તેવી શક્યતા છે. સાયરા (યક્ષ) પાટીદાર સમાજ અને વિથોણ પાટીદારોના પરંપરાગત ખાણીપીણી તેમજ ઠંડાપીણાના સ્ટોલ ઉપરાંત મનોરંજન વિભાગ મેળામાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આરોગ્ય સુરક્ષા અર્થે મંગવાણા અને વિથોણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની તબીબી ટીમો તૈનાત રહેશે.
દરમિયાન, લાખો યાત્રાળુઓની સુરક્ષા અને હાઈવે પર ટ્રાફિકનું સુચારુ સંચાલન જળવાઈ રહે તે માટે ૨ પી.આઈ., ૫ પી.એસ.આઈ. સહિત ૩૦૦ જેટલા પોલીસ કર્મીઓ, હોમગાર્ડ જવાનો અને વિશેષ મહિલા પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.
(ઉત્સવ વૈદ્ય)