Mon Oct 05 2026

Logo

ગોંડલ નજીક ગમખ્વાર અકસ્માત: કાર અને એક્ટિવાની ભીષણ ટક્કરમાં એક જ પરિવારના 3 સભ્યનાં મોત

2026-09-27 16:26:58
Author: Devayat Khatana
ગોંડલ નજીક ગમખ્વાર અકસ્માત: કાર અને એક્ટિવાની ભીષણ ટક્કરમાં એક જ પરિવારના 3 સભ્યનાં મોત

ગોંડલ: રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આજે એક ગોઝારો માર્ગ અકસ્માત સર્જાતા સમગ્ર પંથકમાં ભારે શોક છવાઈ ગયો હતો. ગોંડલ તાલુકાના ઘોઘાવદર અને રામોદ ગામ વચ્ચે પુરપાટ ઝડપે આવી રહેલી એક કારે સામેથી આવી રહેલા એક્ટિવા વાહનને જોરદાર ટક્કર મારતા આ દુર્ઘટના ઘટી હતી. આ ભીષણ ટક્કર એટલી ગંભીર હતી કે એક્ટિવા પર સવાર એક જ પરિવારના ત્રણ લોકો રસ્તા પર ફંગોળાઈ ગયા હતા અને તેમને ગંભીર ઇજાઓ થવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં.

મૃતકોની પ્રાથમિક વિગતો મુજબ અનિડા ભાલોડી ગામમાં રહેતા જયેશભાઈ કરશનભાઈ બગડા (ઉં.વ. 40), તેમના પત્ની શાંતુબેન (ઉં.વ. 36) અને 13 વર્ષીય પુત્ર વ્રજ પોતાના વાહન પર સવાર થઈને કોઈ અંગત કારણથી બહાર જઈ રહ્યા હતા. આ દરમિયાન રોડ પર પૂરઝડપે દોડી રહેલી કારના ચાલકે કાબૂ ગુમાવતા આ જોરદાર ટક્કર મારી હતી. પરિવારના મોભી અને પત્ની સાથે માસૂમ પુત્રના આ રીતે અચાનક ચાલ્યા જવાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

ઘટનાની જાણ થતાં જ આસપાસના રહેવાસીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ગોંડલ અને કોટડા સાંગાણીથી એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. 
એક જ પરિવારના ત્રણ સભ્યોના એકસાથે મોતથી અનિડા ભાલોડી ગામમાં ઘેરા શોકનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે પોલીસે કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.