અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. ગુજરાતમાં માત્ર ગિફ્ટ સિટીમાં વાઈન એન્ડ ડાઈન સુવિધા અંતર્ગત દારૂનું વેચાણ કરવામાં આવે છે. વ્યાપારી ગતિવિધિ અને આંતરરાષ્ટ્રીય-રાષ્ટ્રીય ઈવેન્ટ્સન કારણે ગિફ્ટ સિટીમાં મુલાકાતીઓની સંખ્યા વધવાની સાથે દારૂનું વેચાણ પણ વધ્યું હોવાની સરકારે વિધાનસભામાં માહિતી આપી હતી. સરકારે જણાવ્યું કે, ગિફ્ટ સિટીમાં છેલ્લા બે વર્ષ દરમિયાન વિદેશી દારૂનું કુલ વેચાણ 60,354.47 લિટર સુધી પહોંચ્યું છે, જેનાથી સરકારને રૂ. 87,39,184ની આવક થઈ હતી. જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા આ વિશેષ ઝોનમાં વેચાણની વિગતો માંગવામાં આવ્યા બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.
વાર્ષિક આંકડાકીય વિશ્લેષણ મોટો ઉછાળો દર્શાવે છે. 1 ઓગસ્ટ, 2024 થી 31 જુલાઈ, 2025 વચ્ચે વેચાણ માત્ર 3716 લિટર હતું. ત્યારબાદના 12 મહિનામાં — 1 ઓગસ્ટ, 2025 થી 31 જુલાઈ, 2026 સુધીમાં — વેચાણ વધીને 56,638 લિટર થઈ ગયું, જે 15 ગણો વધારો દર્શાવે છે.
ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2023માં ગિફ્ટ સિટીને ગુજરાતના દારૂબંધી કાયદા હેઠળ સૌપ્રથમ મર્યાદિત છૂટછાટ આપવામાં આવી હતી, જેનાથી અધિકૃત અધિકારીઓ અને મુલાકાતીઓ માટે નિયત વિસ્તારોમાં નિયંત્રિત વપરાશની મંજૂરી મળી હતી. ત્યારથી આ 'ડ્રાય સ્ટેટ'માં વૈશ્વિક કંપનીઓ અને પ્રતિનિધિમંડળો માટે ગિફ્ટ સિટીને વધુ આકર્ષક બનાવવા માટે નિયમોમાં સતત છૂટછાટ આપવામાં આવી રહી છે.
ડિસેમ્બર 2025માં, રાજ્ય સરકારે વિદેશી નાગરિકો અને ગુજરાત બહારના મુલાકાતીઓ માટે કામચલાઉ પરમિટની જરૂરિયાત રદ કરી હતી. માન્ય સરકારી ફોટો આઈડી ધરાવતા મુલાકાતીઓને અધિકૃત હોટેલ્સ, ક્લબ્સ અને રેસ્ટોરન્ટ્સમાં દારૂ પીવાની મંજૂરી આપવામાં આવી હતી.
તાજેતરમાં કરાયેલા ફેરફાર મુજબ, ગિફ્ટ સિટીમાં મંજૂર કરાયેલ દારૂના વેચાણ પરનો વેટ 65% થી ઘટાડીને 25% કરવામાં આવ્યો હતો. તેમજ વિશેષ શુલ્ક નાબૂદ કરવામાં આવ્યા હતા. સૂત્રોના કહેવા પ્રમાણે, આ નીતિગત ફેરફાર ગિફ્ટ સિટીને આંતરરાષ્ટ્રીય બેઠકો, પરિષદો અને કોર્પોરેટ મેળાવડાઓ માટેનું મુખ્ય કેન્દ્ર બનાવવાના ઉદ્દેશ સાથે સુસંગત છે. ગિફ્ટ સિટી માટેની સરળ દારૂબંધી નીતિ ફાયનાન્સ અને ટેક કંપનીઓને વૈશ્વિક પ્રતિભાઓને આ ઉભરતા આંતરરાષ્ટ્રીય ફાઇનાન્શિયલ હબ તરફ આકર્ષવામાં મદદ કરશે.