Mon Oct 05 2026

Logo

હવે ગુજરાતમાં બેઠાં બેઠાં અમેરિકાના શેરબજારોમાં કરી શકાશે રોકાણ, જાણો કઈ રીતે ?

2026-02-26 12:00:00
Author: Tejas Rajpara
હવે ગુજરાતમાં બેઠાં બેઠાં અમેરિકાના શેરબજારોમાં કરી શકાશે રોકાણ, જાણો કઈ રીતે ?

ગાંધીનગર: ગુજરાતના પાટનગર આવેલી ગિફ્ટ સિટી હવે ભારતીય રિટેલ રોકાણકારો અને NRI માટે આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રવેશવાનું પ્રવેશદ્વાર બની ગઈ છે. NSE ઈન્ટરનેશનલ એક્સચેન્જ (NSE IX) એ એક નવું ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે, જેની મદદથી હવે ભારતીયો ઘરે બેઠા વિશ્વના 30 થી વધુ દેશોના શેરબજારમાં સીધું રોકાણ કરી શકશે. અત્યાર સુધી વિદેશી શેરોમાં રોકાણ કરવાની પ્રક્રિયા જટિલ હતી, પરંતુ NSE IX ના 'ગ્લોબલ એક્સેસ' પ્લેટફોર્મ દ્વારા આ પ્રક્રિયા અત્યંત સરળ અને પારદર્શક બની ગઈ છે.

NSE IX દ્વારા આ પ્લેટફોર્મ પર હાલમાં યુએસ (US) લિસ્ટેડ શેરોમાં રોકાણ કરવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. જોકે, આગામી ત્રણથી છ મહિનામાં યુકે, જાપાન અને પસંદગીના યુરોપિયન દેશોના શેરબજારનો પણ તેમાં સમાવેશ કરવામાં આવશે. રોકાણકારો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની 'લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ' (LRS) હેઠળ દર વર્ષે $2.5 લાખ (અંદાજે 2 કરોડથી વધુ રૂપિયા) સુધીનું રોકાણ વિદેશમાં કરી શકશે. આ માટે રોકાણકારોએ રૂપિયામાં ફંડ ટ્રાન્સફર કરવાનું રહેશે, જે આપોઆપ ડોલરમાં કન્વર્ટ થઈ જશે.

આ પ્લેટફોર્મની સૌથી મોટી વિશેષતા 'ફ્રેક્શનલ ઇન્વેસ્ટિંગ' છે. એટલે કે, જો કોઈ આંતરરાષ્ટ્રીય કંપનીનો એક શેર ખૂબ મોંઘો હોય, તો રોકાણકાર આખો શેર ખરીદવાને બદલે તેનો નાનો હિસ્સો (ટુકડો) પણ ખરીદી શકે છે. આનાથી નાના રોકાણકારો પણ એપલ, ગૂગલ કે ટેસ્લા જેવી મોટી કંપનીઓમાં ભાગીદાર બની શકશે. મહત્વની વાત એ છે કે આ માટે રોકાણકારોએ કોઈ અલગ ડિમેટ એકાઉન્ટ ખોલાવવાની જરૂર રહેશે નહીં અને સમગ્ર પ્રક્રિયા ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA) દ્વારા નિયંત્રિત રહેશે.

NSE IX ના મેનેજિંગ ડિરેક્ટર અને CEO વી. બાલાસુબ્રમણ્યમના જણાવ્યા અનુસાર, આ પ્લેટફોર્મ પર રજીસ્ટ્રેશનની પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ છે. ડિજીલોકર (DigiLocker) ના માધ્યમથી આધાર અને પાન કાર્ડનો ઉપયોગ કરીને માત્ર એક મિનિટમાં KYC પૂર્ણ કરી શકાય છે. હાલમાં આ પ્લેટફોર્મનો 10 દિવસનો સોફ્ટ લોન્ચિંગ ફેઝ ચાલી રહ્યો છે. આ પ્લેટફોર્મ પર ઇક્વિટી, ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને ETF માં ટ્રેડિંગ કરી શકાશે, જોકે તેમાં ડેરિવેટિવ્ઝ અને ક્રિપ્ટોકરન્સીના વ્યવહારોને મંજૂરી આપવામાં આવી નથી.