Thu Oct 08 2026

Logo

દક્ષિણ એશિયામાં પ્રથમવાર ગાંધીનગર બનશે સાક્ષી: કાલથી 'વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ-૨૦૨૬'

2026-09-14 13:24:00
Author: Mumbai Samachar Team
દક્ષિણ એશિયામાં પ્રથમવાર ગાંધીનગર બનશે સાક્ષી: કાલથી 'વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ-૨૦૨૬'

ગાંધીનગરઃ  સમગ્ર દક્ષિણ એશિયામાં  પ્રથમવાર આવતીકાલથી તા.૧૫ થી ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન મહાત્મા મંદિર ગાંધીનગર -ગુજરાત ખાતે 'વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ (WCEF) ૨૦૨૬'નું આયોજન કરશે.   ફોરમનું સંયુક્ત ઉદ્ઘાટન કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી  ભૂપેન્દ્ર યાદવ અને ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવશે.

આ ફોરમનું આયોજન 'સર્ક્યુલર ઇકોનોમી: ટ્રાન્સિશન ફોર પીપલ એન્ડ પ્રોસ્પેરીટી' (Circular Economy: Transition for People and Prosperity) થીમ હેઠળ કરવામાં આવશે, ત્યારબાદ ૧૭ થી ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન એક્સેલરેટર સત્રો યોજાશે.  સર્ક્યુલરિટીનો મુખ્ય હેતુ હાલની સામગ્રી અને ઉત્પાદનોનો પુનઃઉપયોગ, રિફર્બિશિંગ અને રિસાઇક્લિંગ કરીને તેને મૂલ્યવાન સંસાધનો તરીકે ફરીથી અર્થતંત્રમાં લાવવાનો છે. વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ, ભારત પર્યાવરણીય શાસનમાં એક મોટો બદલાવ લાવી રહ્યું છે અને આધુનિક સર્ક્યુલર ઇકોનોમી તરફ આગળ વધી રહ્યું છે. આ કાર્યક્રમનું સંયુક્ત આયોજન સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB), ફિનિશ ઇનોવેશન ફંડ સિત્રા (Sitra), ફિનલેન્ડ સરકાર, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEF&CC), ગુજરાત સરકાર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા કરવામાં આવી રહ્યું છે.

WCEF 2026 નો મુખ્ય ઉદ્દેશ્ય સર્ક્યુલરિટીને પ્રોત્સાહન આપવા અને આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવા માટેના ભારતના પ્રયાસોને દર્શાવવાનો છે. આ ઇવેન્ટમાં અંદાજે ૬૫ થી વધુ દેશોના ૨૦૦૦ થી વધુ હિસ્સેદારો ભાગ લેશે. જેમાં વ્યાપારી નેતાઓ, ઉદ્યોગસાહસિકો, સંશોધકો, નીતિ ઘડવૈયાઓ, શિક્ષણવિદો અને અન્ય મહાનુભાવો સામેલ થશે.

તા.૧૫-૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન, આ ફોરમમાં AI નો ઉપયોગ, રોજગારની ક્ષમતા, ઉર્જા ઉત્પાદન, નાણા, શાસન, ટકાઉ ઉત્પાદનો અને સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ જેવા વિષયો પર ૦૪ પ્લેનરી અને ૧૬ સંતોષકારક થીમ આધારિત સત્રો યોજાશે. આ ઉપરાંત,૧૨૫ થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનકર્તાઓ સાથેનો એક્સ્પો સ્ટાર્ટ-અપ્સ દ્વારા વિકસાવવામાં આવેલા વ્યવહારુ ઉકેલોનું પ્રદર્શન કરશે. આ ઉપરાંત તા. ૧૭-૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ, વૈશ્વિક સહયોગીઓ ગાંધીનગર તેમજ વિશ્વભરના અન્ય સ્થળોએ ઓનલાઇન/હાઇબ્રિડ અને રૂબરૂમાં ૮૦ એક્સેલરેટર સત્રો સ્વતંત્ર રીતે યોજશે.