ગાંધીનગરઃ શહેરમાં રખડતાં ઢોરના કારણે વધુ એક વ્યક્તિનું મોત થયું હતું. ગાંધીનગરની PDEUના કર્મચારીને રઝળતી ગાયે અડફેટે લેતાં મરણ પામ્યા હતા, જ્યારે નાના ભાઈ બચી ગયા હતા.
શું છે સમગ્ર ઘટના
ગાંધીનગરની PDEU માં હાઉસકીપિંગ તરીકે કામ કરતા 48 વર્ષીય મહેશભાઈ રામાભાઈ પ્રજાપતિનું રસ્તે રઝળતી ગાય સાથે એક્ટિવા અથડાતાં ગંભીર અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાથી પરિવારનો મુખ્ય આધાર છીનવાઈ જતાં સ્વજનોમાં ભારે શોક છવાઈ ગયો હતો. ગાંધીનગરના વલાદ ગામના પટેલવાસમાં રહેતા મહેશભાઈ પ્રજાપતિ અને તેમના નાના ભાઈ નરેશભાઈ બંને PDEU યુનિવર્સિટીના હાઉસકીપિંગ વિભાગમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. 15 સપ્ટેમ્બરના રોજ બંને ભાઈઓ હંમેશ મુજબ સાંજે 4 વાગ્યાથી રાતના 1 વાગ્યાની શિફ્ટમાં નોકરી પર ગયા હતા. મોડી રાત્રે આશરે એક વાગ્યે શિફ્ટ પૂરી થયા બાદ મહેશભાઈ પોતાનું એક્ટિવા લઈને વલાદ ગામ ખાતે પોતાના ઘરે જવા નીકળ્યા હતા.
16 સપ્ટેમ્બરની મોડી રાત્રે મહેશભાઈ ગિફ્ટસિટી તરફ જતા સિગ્નેચર બ્રિજ પરથી નીચે ઉતરી રહ્યા હતા, ત્યારે અંધારામાં રસ્તા વચ્ચે અચાનક એક ગાય આવી ચડી હતી. વાહનની ગતિ અને અંધારાના કારણે મહેશભાઈ કાબૂ મેળવી શક્યા નહીં અને તેમનું એક્ટિવા ગાય સાથે જોરદાર રીતે અથડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે મહેશભાઈ રોડ પર પટકાયા હતા, જેના લીધે તેમને માથાના ભાગે અને આખા શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી.
અકસ્માત જોઈને આસપાસના સ્થાનિકો અને રસ્તેથી પસાર થતા રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં પડેલા મહેશભાઈને તાબડતોબ એક ખાનગી વાહન દ્વારા ગાંધીનગર સિવિલ હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. ગાંધીનગર સિવિલ હૉસ્પિટલના તબીબોએ પ્રાથમિક સારવાર આપી હતી, પરંતુ માથામાં ખૂબ જ ઊંડી અને ગંભીર ઈજા હોવાના કારણે તેમને વધુ સારવાર અર્થે તાત્કાલિક અમદાવાદ સિવિલ હૉસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં તેઓ પાંચ દિવસ સુધી જીવન અને મરણ વચ્ચે સંઘર્ષ કરતા રહ્યા હતા. અંતે 21 સપ્ટેમ્બરના રોજ સારવાર દરમિયાન મહેશભાઈનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. આ ઘટનાએ ફરી એકવાર રાત્રિના સમયે હાઈવે અને મુખ્ય રસ્તાઓ પર રખડતા ઢોરના વધતા જોખમ સામે ગંભીર સવાલો ઊભા કર્યા હતા.