Mon Oct 05 2026

Logo

ગાંધીનગર મનપા ચૂંટણીઃ ભાજપના ઉમેદવારોએ શું શપથ લીધા ?

2026-09-28 12:53:00
Author: Mayur Patel
ગાંધીનગર મનપા ચૂંટણીઃ ભાજપના ઉમેદવારોએ શું શપથ લીધા ?

ગાંધીનગરઃ ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીનો રંગ જામી રહ્યો છે. ભાજપ દ્વારા 11 વોર્ડના 44 ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. આ દરમિયાન આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં, ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી લડી રહેલા 11 વોર્ડના ભાજપના તમામ 44 ઉમેદવારોએ સામૂહિક રીતે જનસેવાના સંકલ્પ લીધા હતા.

ભાજપના નેતા ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી 11 ઓક્ટોબરે છે. અમારા 44 ઉમેદવારોની સાથે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ તેમજ તમામ ઉમેદવારો અને પક્ષના પદાધિકારીઓએ જનતાનો વિશ્વાસ જીતવાનો સંકલ્પ લીધો હતો.

 

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કર્યા બાદ હવે પક્ષમાં આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો છે. ટિકિટની આશા રાખીને બેઠેલા પાયાના અને વર્ષોથી પક્ષ સાથે જોડાયેલા કેટલાક કાર્યકરોને ટિકિટ ન મળતા નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે.  ભાજપના પૂર્વ કોર્પોરેટર સહિત પાંચ આગેવાનોએ પક્ષ સામે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતા રાજકીય ગરમાવો વધ્યો છે.

મહાનગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો માટે ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન 750થી વધુ દાવેદારોએ ટિકિટ માટે બાયોડેટા રજૂ કર્યા હતા. સ્થાનિક અને સામાજિક સમીકરણોને આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હોવાની પક્ષ તરફથી વાત કરવામાં આવી હતી. જોકે, ટિકિટ જાહેર થયા બાદ કેટલાક દાવેદારો અને કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. ટિકિટ ફાળવણીથી નારાજ થઈને વોર્ડ નંબર 5માંથી ભાજપના પૂર્વ કોર્પોરેટર નીલાબેન મુકેશકુમાર શુકલે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. વોર્ડ નંબર 2માંથી પેથાપુર નગરપાલિકાના પૂર્વ સભ્ય સુરેશ પ્રહલાદભાઈ પટેલે પણ અપક્ષ ઉમેદવારી કરી છે. આ જ વોર્ડમાં પેથાપુરના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ વાઘેલાના પત્ની દીપિકાબેને અપક્ષ ફોર્મ ભર્યું છે.

આ ઉપરાંત વોર્ડ નંબર 10માંથી ભાજપના જૂના કાર્યકર શિરીષ ભગવાનદાસ મોદીએ અને વોર્ડ નંબર 8માંથી વિમલ વિક્રમભાઈ પટેલે પણ ભાજપ સામે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આમ, પક્ષની ટિકિટ ન મળતા પાંચ આગેવાનોએ અપક્ષ મેદાનમાં ઉતરી ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી છે.

ટિકિટ ફાળવણી બાદ ભાજપના નારાજ કાર્યકરો દ્વારા વોટ્સએપ ગ્રૂપો અને સોશિયલ મીડિયા પર પણ ટિકિટ વિતરણની પ્રક્રિયા અંગે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. વોર્ડ નંબર 3ના મહિલા કાર્યકર વીણાબા ઝાલાની સોશિયલ મીડિયા પોસ્ટ ચર્ચામાં આવી છે. તેમણે પોસ્ટમાં દાવો કર્યો છે કે, તેઓ છેલ્લા 15 વર્ષથી ભાજપના કાર્યકર તરીકે કામ કરી રહ્યા છે અને મંત્રી તરીકેનો હોદ્દો પણ સંભાળી ચૂક્યા છે, તેમ છતાં તાજેતરમાં પક્ષ સાથે જોડાયેલા લોકોને ટિકિટ આપવામાં આવી છે.

વીણાબાએ પોતાની પોસ્ટમાં જૂના અને પાયાના કાર્યકરોની અવગણના થઈ હોવાનો આક્ષેપ કરતા 'નો રિપીટ થિયરી' અંગે પણ સવાલો ઉઠાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ, નો રિપીટની વાત વચ્ચે પણ કેટલાક નેતાઓને ફરી ટિકિટ આપવામાં આવી છે.