Thu Oct 08 2026

Logo

ફાયર અધિકારીઓ ACBની રડારમાં,  5 વર્ષમાં ફાયર વિભાગના કેટલા અધિકારીઓ લાંચ કેસમાં સપડાયા ?

2026-09-17 09:33:00
Author: Mayur Patel
ફાયર અધિકારીઓ ACBની રડારમાં,  5 વર્ષમાં ફાયર વિભાગના કેટલા અધિકારીઓ લાંચ કેસમાં સપડાયા ?

ગાંધીનગરઃ ગુજરાતમાં લાંચિયા બાબુઓ સામે ACB કડક કામગીરી કરી રહ્યું છે. અઠવાડિયામાં સરેરાશ પાંચ જેટલા લોકો ACBના છટકામાં સપડાઈ રહ્યા છે. તેમ છતાં કેટલાક લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. બુધવારે ગાંધીનગરના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશકુમાર પટેલ રૂ. 20 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં સપડાયા હતા.

મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસમાં સબ-ફાયર ઓફિસર અને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર (વર્ગ-1) તરીકે ફરજ બજાવતા 55 વર્ષીય રાજેશકુમાર પટેલ ગાંધીનગરના સેક્ટર 17 સ્થિત કચેરીમાં આવેલા તેમના ચેમ્બરમાં જ લાંચ લેતા ઝડપાયા હતા.

ACBના જણાવ્યા અનુસાર, પટેલે ફાયર NOC ઇશ્યૂ કરવા માટે એક નાગરિક પાસેથી ₹20,000ની માંગણી કરી હતી. નાગરિક લાંચ આપવા તૈયાર ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો, જેના પગલે છટકું ગોઠવવામાં આવ્યું હતું. ભરૂચ ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. જે. શિંદે અને તેમની ટીમ દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન દરમિયાન પટેલ લાંચની રકમ સ્વીકારતા ઝડપાઈ ગયા હતા.

થોડા દિવસ પહેલાં જ ACBએ અમદાવાદના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને વચેટિયા ભાવસિંહ ઝાલાની ફાયર NOC સંબંધિત ₹ 36,000ના લાંચ કેસમાં ધરપકડ કરી હતી. ઝાલા ડોંગરે વતી છ ઇમારતો માટે પ્રતિ NOC ₹ 6000 લેતા પકડાયો હતો.

તપાસ દરમિયાન ACBને જાણવા મળ્યું હતું કે, ઝાલાએ રોકડમાં ડોંગરેને નાણાં સોંપતાં પહેલાં NOC અરજદારો પાસેથી QR કોડ અને UPI પેમેન્ટ મારફતે આશરે ₹ 23 લાખ એકત્ર કર્યા હતા. તપાસકર્તાઓને ફાયર NOC રિન્યુઅલ માટેનું એક 'રેટ કાર્ડ' પણ મળ્યું હતું, જેમાં ₹ 25,000 સુધીનું કમિશન દર્શાવવામાં આવ્યું હતું. આ તપાસમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનના રેકોર્ડ મહત્વના પુરાવા તરીકે સામે આવ્યા છે.

5 વર્ષમાં કયા અધિકારીઓ સપડાયા?

રાજેશકુમાર પટેલ અને અમિત ડોંગરે સહિત છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ફાયર વિભાગના આઠ અધિકારીઓ લાંચ લેવાના આરોપ હેઠળ ACBના સકંજામાં આવી ચૂક્યા છે

ડિસેમ્બર 2021: રાજકોટના સ્ટેશન ઓફિસર કિરીટ કોળી ₹ 40,000 સાથે ઝડપાયા

મે 2024: વડોદરાના રિજનલ ફાયર ઓફિસર નિલેશકુમાર પટેલ ₹2.25 લાખ સાથે ઝડપાયા

ઓગસ્ટ 2024: રાજકોટ મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલકુમાર મારુ ₹1.80 લાખ સાથે ઝડપાયા

જાન્યુઆરી 2025: અમદાવાદના ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખ ₹ 65,000 સાથે ઝડપાયા

એપ્રિલ 2026: ભાવનગરના ડેપ્યુટી રિજનલ ફાયર ઓફિસર મહેશકુમાર પટેલ ₹ 2 લાખ સાથે ઝડપાયા)

આ ઉપરાંત વર્ષ 2022માં, ગિફ્ટ સિટી અને રાંદેસણ વિસ્તારની ઇમારતો માટે ફાયર-સેફ્ટી પ્લાન અને પ્રી-NOC અરજીઓની મંજૂરી સંબંધિત એક હાઈ-પ્રોફાઈલ ટ્રેપમાં ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસના ઈન્ચાર્જ ડેપ્યુટી ડિરેક્ટર મહેશ મોડને પણ ACBએ ઝડપ્યા હતા.