Mon Oct 05 2026

Logo

ગાંધીનગરની ચૂંટણીમાં ભાજપના પાટીદાર ઉમેદવાર 244 કરોડની સંપત્તિ સાથે સૌથી માલદાર, બીજા કોણ છે કરોડોના આસામી ?

2026-09-29 10:03:00
Author: Mayur Patel
ગાંધીનગરની ચૂંટણીમાં ભાજપના પાટીદાર ઉમેદવાર 244 કરોડની સંપત્તિ સાથે સૌથી માલદાર, બીજા કોણ છે કરોડોના આસામી ?

ગાંધીનગરઃ  ગાંધીનગર મહાનગર પાલિકાના 11 વોર્ડની 44 બેઠકોની જાહેર થયેલી ચૂંટણી માતે 11 ઓક્ટોબરે મતદાન થશે. આપના ચાર સહિત 65 ફોર્મ રદ થયા બાદ આજે ફાઈનલ ચિત્ર સાબિત થશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં તેમની અબજો અને કરોડો રૂપિયાની મિલકતોની ચોંકાવનારી વિગતો સામે આવી છે.ગાંધીનગરની ચૂંટણીમાં ભાજપના પાટીદાર ઉમેદવાર 244 કરોડની સંપત્તિ સાથે સૌથી માલદાર છે.  ઉપરાંત બીજા પણ કેટલાક ઉમેદવારો કરોડોના આસામી છે.

ભાજપના કયા પાટીદાર ઉમેદવાર 244 કરોડની સંપત્તિ સાથે સૌથી માલદાર

ભાજપના પાટીદાર ઉમેદવાર જશવંત પટેલ  244 કરોડની સંપત્તિ સાથે સૌથી માલદાર ઉમેદવાર છે. તેઓ સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન છે.  જશવંત પટેલ અને તેમના પરિવાર પાસે 200 કરોડથી વધુની કિંમતની જમીન છે. જ્યારે તેમના પત્ની પાસે 75 તોલા સોનું, 7 કિલો ચાંદી તથા વિવિધ કારનો કાફલો છે. 58 વર્ષીય જશવંત પટેલે સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી બીઈ સિવિલ કર્યું છે.  આ ઉપરાંત ગાંધીનગર તાલુકા મંડલમાં પૂર્વ પ્રમુખ, પૂર્વ મહામંત્રીની ફરજ બજાવી ચુક્યા છે. સરદારધામ (વિશ્વ પાટીદાર સમાજ) અમદાવાદમાં તેઓ ઉપપ્રમુખ છે. તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે.

બીજા કોણ છે કરોડોના આસામી 

વોર્ડ નંબર 10 માંથી ચૂંટણી લડી રહેલા 57 વર્ષીય ઉમેદવાર ગૌરાંગ પટેલનું સોગંદનામું તેમની અસાધારણ આર્થિક સદ્ધરતા દર્શાવે છે. ગૌરાંગ પટેલે માત્ર ધોરણ-9 સુધીનો જ અભ્યાસ કર્યો છે. ઓછું ઔપચારિક શિક્ષણ હોવા છતાં તેઓ અને તેમના પત્ની વિવિધ બેંક ખાતાઓમાં કરોડો રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ અને રોકડ થાપણો ધરાવે છે. તેમની પાસે રૂ. 5.40 કરોડનું મૂલ્ય ધરાવતો અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ બંગલો તથા વિશાળ ફાર્મહાઉસ છે. સામાન્ય વાહનોને બદલે તેઓ ટોચની લક્ઝરી બ્રાન્ડ્સના શોખીન છે. તેમના કાફલામાં રેન્જ રોવર, બીએમડબલ્યુ અને ટોયોટા ઇનોવા જેવી લક્ઝુરિયસ કાર છે.

વોર્ડ નંબર 1 માંથી ચૂંટણી મેદાનમાં ઉતરેલા શિક્ષાપત્રી ગ્રુપના અગ્રણી બિલ્ડર મહેશ ચૌધરી (વિષ્ણુ-મેટ્રો તરીકે જાણીતા) પણ અઢળક સ્થાવર અને જંગમ મિલકતોના માલિક છે.  મહેશ ચૌધરી પાસે મર્સિડીઝ, ફોર્ચ્યુનર, ઇનોવા અને મહિન્દ્રા XUV સહિતના લક્ઝરી વાહનો છે. વિશેષતા એ છે કે તેમના દરેક વાહનનો રજિસ્ટ્રેશન નંબર એકસરખો એટલે કે વીઆઈપી નંબર 0002 છે. દંપતી પાસે 97 તોલા સોનાના દાગીના તેમજ 3.5 કિલોગ્રામ ચાંદીની અસ્કયામતો છે. બિલ્ડર પૃષ્ઠભૂમિ ધરાવતા હોવાથી તેમની પાસે ગાંધીનગર-અમદાવાદ આસપાસના મુખ્ય પ્રાઇમ લોકેશન ગણાતા તારાપુર અને રાંદેસણ જેવા વિસ્તારોમાં કરોડો રૂપિયાની કિંમત ધરાવતી બિનખેતી પ્રીમિયમ જમીનો અને મોટા કોમર્શિયલ શોપિંગ/ઓફિસ સંકુલો છે.

વોર્ડ નં. 2 (પેથાપુર-ગુડા) ના ભાજપના ઉમેદવાર દિપ્તીબેન પટેલ પણ કરોડપતિ ઉમેદવાર છે. 36 વર્ષીય દિપ્તીબેન પટેલ ગાંધીનગર મહાનગરના મહામંત્રી છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી બીએ કર્યું છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પેથાપુર નગરપાલિકા, કોર્પોરેટર, પેથાપુર નગરપાલિકા, પ્રમુખ - પેથાપુર ૨૨ ગામ કડવા પાટીદાર સમાજ સહિત વિવધ સમાજ સાથે સંકળાયેલા છે. દિપ્તીબેન પટેલ અને તેમના પતિ પાસે મળીને કુલ 12.35 કરોડની સંપત્તિ છે. જ્યારે 1.76 કરોડનું દેવું છે.

વોર્ડ નં. 4 (પાલજ-ધોળાકુવા) બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર યુનુસ પરમારની મિલકતો અને રાજકીય પૃષ્ઠભૂમિની વિગતો સામે આવી છે. સોગંદનામા મુજબ, તેઓ કરોડો રૂપિયાની જમીન અને મિલકતો ધરાવે છે જ્યારે તેમની સામે કોઈ ગુનાહિત કેસ કે નાણાકીય દેવું નોંધાયેલું નથી. 39 વર્ષીય યુનુસ પરમાર ધો. 12 પાસ છે. તેઓ કૉંગ્રેસમાં વિવિધ હોદ્દા પર ફરજ બજાવે છે.  તેમની પાસે રોકડ, જમીન, થાપણ, ઘરેણા, મિલકત મળી 8.89 કરોડની સંપત્તિ છે, જ્યારે તેમના પાસે 31.10 લાખની સંપત્તિ છે. બંને પાસે મળીને કુલ 9.21 કરોડની સંપત્તિ છે.

ચૂંટણી એફિડેવિટમાં જાહેર થયેલી આ સંપત્તિ દર્શાવે છે કે સ્થાનિક ચૂંટણીઓમાં ઉમેદવારો માત્ર રાજકીય વગ જ નહીં, પરંતુ જંગી આર્થિક સામર્થ્ય અને લક્ઝરી જીવનશૈલી પણ ધરાવે છે.