Thu Oct 08 2026

Logo

ગાંધીધામમાં વરસાદના વિરામ બાદ પણ જળબંબાકાર: મેઘપર બોરીચી બેટમાં ફેરવાતાં રોગચાળાની ભીતિ

2026-09-17 11:43:00
Author: Mayur Patel
ગાંધીધામમાં વરસાદના વિરામ બાદ પણ જળબંબાકાર: મેઘપર બોરીચી બેટમાં ફેરવાતાં રોગચાળાની ભીતિ

AI Image


ભુજ: પૂર્વ કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ સંકુલમાં મેઘરાજાએ વિરામ લીધાને ૨૮ કલાકથી વધુ સમય વીતી જવા છતાં શહેરના પ્રમુખ માર્ગો તેમજ રહેણાંક વિસ્તારોમાંથી વરસાદી પાણી ઓસરવાનું નામ લેતા નથી. ખાસ કરીને મેઘપર બોરીચી પંથકની સોસાયટીઓ બેટમાં ફેરવાઈ જતાં સ્થાનિક રહીશોમાં ગંદકી અને મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની ગંભીર દહેશત વ્યાપી ગઈ છે.

ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં એ-ડિવિઝન પોલીસ સ્ટેશન રોડ, એમ્પાયર હોટેલ માર્ગ, ટાઉનહોલ પાછળનો પટ્ટો, ચાવલા ચોક તેમજ શક્તિનગર સહિતના આંતરિક માર્ગો પર હજુ પણ ગોઠણસમા પાણી ભરાયેલાં છે. સ્થાનિક નાગરિકો પાલિકા કમિશનર બી. ડી. દવેરા, નાયબ કમિશનર સંજય રામાનુજ અને સિટી ઈજનેર મયંક શાહ સમક્ષ યુદ્ધના ધોરણે પમ્પિંગ દ્વારા પાણી ઉલેચીને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાની ઉગ્ર માંગણી કરી રહ્યા છે.

બીજી તરફ, મેઘપર બોરીચીની સોસાયટીઓમાં મકાનોની આસપાસ તળાવ જેવો માહોલ સર્જાયો છે. અહીં સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ચારેય બાજુ પાણી ભરાઈ જતાં ૧૦૮ સહિતની એમ્બ્યુલન્સ સેવાઓ પણ અટવાઈ પડી છે. તંત્ર દ્વારા જેસીબી મશીનો મૂકી કમ્પાઉન્ડ વોલ તોડીને પાણીનો નિકાલ કરવાની મથામણ કરવામાં આવી રહી છે, પરંતુ આડેધડ બાંધકામોના પગલે કુદરતી વહેણ રૂંધાતાં સ્થિતિ વધુ વિકટ બની છે.

દરમિયાન, અપનાનગર ચાર રસ્તા પાસે કન્ટેનર શોપના ખૂણા પર મુખ્ય ભૂગર્ભ ગટર લાઈન અચાનક બેસી જતાં ભારતનગર અને અપનાનગર વિસ્તારમાં ગટરના ગંદા પાણી રસ્તાઓ પર ઉભરાયાં છે. ભારતનગર તરફ જતા માર્ગે પરબ નજીક જંકશન પર ૨૪ કલાક જનરેટર અને જેટિંગ મશીનો ગોઠવીને દૂષિત પાણી ખેંચવાના પ્રયાસો ચાલી રહ્યા છે. પાલિકા તંત્રના જણાવ્યા અનુસાર, પાણીનું સ્તર ઘટતાંની સાથે જ બેસી ગયેલી પાઈપલાઈન બદલી નવી લાઈન નાખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

(ઉત્સવ વૈદ્ય)