Thu Oct 08 2026

Logo

પડાણા નજીક હોટેલના પાર્કિંગમાંથી રૂ.૩.૭૯ લાખના હેરોઈન સાથે પંજાબનો પેડલર ઝડપાયો:

2026-09-18 13:02:00
Author: Mumbai Samachar Team
પડાણા નજીક હોટેલના પાર્કિંગમાંથી રૂ.૩.૭૯ લાખના હેરોઈન સાથે પંજાબનો પેડલર ઝડપાયો:

ભુજઃ પૂર્વ કચ્છમાં વ્યાપક બનેલા નશાના કારોબાર વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીના આધારે પડાણા નજીક આવેલી એક હોટેલના પાર્કિંગમાંથી પંજાબના એક શખ્સને ઝડપી પાડયો છે. તેની પાસેથી ₹3.79 લાખની કિંમતનું 18.950 ગ્રામ હેરોઈન જપ્ત કર્યું છે. પડાણા નજીક આવેલી મિની પંજાબી હોટેલ પાછળ પાર્કિંગમાં બનાવેલા કાચા ઝૂંપડામાં એક પરપ્રાંતીય શખ્સ માદક પદાર્થ સાથે રોકાયો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી.

દરોડા પાડીને શખ્સને પકડી લીધો
જેના આધારે બી-ડિવિઝન પોલીસ કાફલાએ તાત્કાલિક દરોડો પાડીને ઝૂંપડામાં હાજર શખ્સને કોર્ડન કરી અટકાયતમાં લીધો હતો.  તેની પૂછપરછમાં તેણે પોતાનું નામ બગીચાસિંઘ ઉર્ફે સોનુ સંતોષસિંઘ (રહે. સબરી, જિ. તરનતારન, પંજાબ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે આરોપીની તપાસ કરતા એક પ્લાસ્ટિકનું ઝબલું મળી આવ્યું હતું, જેમાં ક્રીમ રંગનો મોટા લખોટા જેવો કઠણ પદાર્થ છુપાવેલો હતો. પકડાયેલા શખ્સે આ પદાર્થ ‘ચિટ્ટા’ હોવાનું જણાવતાં પોલીસે તાત્કાલિક એફ.એસ.એલ.  અધિકારીને સ્થળ પર બોલાવી પ્રાથમિક પરીક્ષણ કરાવ્યું હતું. રાસાયણિક પૃથક્કરણમાં આ પદાર્થ શુદ્ધ હેરોઈન હોવાની પુષ્ટિ થઈ હતી.

અન્ય સામગ્રી જપ્ત કરી
પોલીસે ₹379,000 ની કિંમતનું 18.950 ગ્રામ હેરોઈન, નશાનો જથ્થો જોખવા માટે વપરાતો નાનો ડિજિટલ વજનકાંટો, મોબાઈલ ફોન તેમજ આધાર-પાનકાર્ડ સહિતના દસ્તાવેજો જપ્ત કર્યા છે. આરોપી આ નશીલો પદાર્થ પંજાબથી લાવ્યો હતો કે સ્થાનિકે મેળવ્યો હતો? તે કયા વાહન મારફતે પડાણા પહોંચ્યો અને કચ્છમાં કોને-કોને આ માદક દ્રવ્યો સપ્લાય કરવાના હતા તે દિશામાં પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીના સઘન રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. તપાસ બાદ આ તમામ સવાલના જવાબ પોલીસ આપી શકે છે.