Mon Oct 05 2026

Logo

તમે રિસામણાં તરફથી કે મનામણાં તરફથી?!

2026-09-13 09:48:15
Author: Jui Parth
તમે રિસામણાં તરફથી કે મનામણાં તરફથી?!

 

 

 

જૂઈ પાર્થ

 

મહેંદી, સંગીત, ગ્રહશાંતિ, ગણેશ માટલી અને આજે આવી ગયો લશમનો દિવસ. સંધ્યાબહેનની દીકરી માયાનાં લગ્નની જાન માંડવે આવી ચૂકી છે. સંધ્યાબહેન એમની દેરાણી, જેઠાણી, બહેન, ભાભી બધાની સાથે જાનૈયાઓના સ્વાગત અને વરરાજાને પોંખવા માટે હોંશે હોંશે વરઘોડા તરફ જઈ રહ્યાં છે. વેવાણ સામસામા ભેટે એ સમયે સંધ્યાબહેનનું ધ્યાન જાય છે કે એમનાં નણંદ મધુબહેન તો દેખાતાં જ નથી. મધુબહેનને બોલવવા ભાણેજને મોકલ્યા, પણ મધુબહેન ના મળ્યાં. લગભગ અડધા કલાકની જહેમત પછી મધુબહેન આવ્યાં અને ઉદાસ ચહેરે વેવાણને ભેટ્યાં.

 

સંધ્યાબહેનની તો ચિંતાનો પાર ના રહ્યો. બે ઘડી લગ્ન પડતાં મૂકીને એમણે મધુબહેનને બાજુએ બોલાવીને પૂછ્યું  કે `મધુબહેન, આજે તો તમારી લાડકી માયાનાં લગ્ન છે. એમાં કેમ આટલા ઉદાસ દેખાઓ છો?' મધુબહેન  રડી પડ્યાં. કહે  : `સંધ્યાભાભી, ગઈ કાલે તમે ગ્રહશાંતિનું જમાઈનું કવર કર્યું એ માયાના ફુવાને ઓછું લાગ્યું. અરે, મારી ગણેશ માટલીની સાડી જોઈને પણ કહે કે વહેવારે સગી ફોઈને આવી સસ્તી સાડી આપી છે સાવ. એ તો આજે લગ્નમાં આવવા પણ તૈયાર નહોતા. મેં એમને માંડ મનાવ્યા અને મારા સમ આપી ભેગા લાવી છું  અને કહ્યું છે કે આ ઓછા વહેવારની વાત કોઈને ના કરે. પ્રસંગ પતે પછી ઘેર જઈને વાત કરીશું.'

 

સંધ્યાબહેન આખો મામલો સમજી ગયાં. મધુબહેનના ધર્મસંકટ માટે એમને દુ:ખ થયું. સમય સાચવી લેવા સંધ્યાબહેન અને એમના પતિ જયેશભાઈ જાનૈયા માંડવા તરફ આવી રહ્યા હતા એ જ સમયે જમાઈની માફી માગી એમને મનાવી લીધા. મધુબહેનનું મન હળવું થયું અને જમાઈ વટથી પ્રસંગમાં જોડાયા. આમ સુખરૂપ લગ્ન પાર પડી ગયા. 

બીજા દિવસે સવારે સંધ્યાબહેન અને જયેશભાઈ રિસાયેલા ફુવા સાથે વાત કરવા ગયાં. એમને અપેક્ષિત કવર અને સાથે મધુબહેન માટે નવી સાડી આપી અને સાથે જાણ કરી દીધી કે આજ દિનથી આપણી વચ્ચે ફક્ત સ્નેહનો સંબંધ રહેશે, પ્રસંગે કે તહેવારે વહેવારના નામે કોઈ પણ જાતના કવર કે ભેટ સોગાતો નહીં આપીએ. ફુવા વિચારતા જ રહી ગયા અને મધુબહેન મનમાં રાજી થયાં.

 

સંધ્યાબહેન અને મધુબહેનના ઘરનો પ્રશ્ન તો હલ થઈ ગયો, પરંતુ આપણા સમાજમાં એવા કેટકેટલા પરિવારો હશે કે જે વાજબી-ગેરવાજબી અપેક્ષાઓના કારણે ભાંગ્યા હશે. રિસાવું, ખોટું લાગવું, અબોલા લેવા, એકબીજાનું મોઢું ના જોવું એ બધી પ્રતિક્રિયાઓ છે જે કોઈ તો એવી અણગમતી ક્રિયા કે પ્રવૃત્તિનો વિરોધ નોંધાવવા જાણતાં અજાણતાં થઈ હોય. જેટલી અપેક્ષાઓ વધારે એટલાં દુ:ખ પણ વધારે, જેમ કે અમુક લોકોને ખૂબ માન જોઈએ તો અમુક લોકોને `મને બધું પૂછીને જ કરવાનું કે પછી મારી સલાહ લેવાની...', સૌથી પહેલાં વાત મને જ કરવાની' જેવી વિવિધ અપેક્ષાઓ હોય છે. એ પૂરી ના થાય તો એમને ખરાબ લાગી જાય છે. બીજું કે જે લોકો અંતર્મુખી છે, પોતાની મનની વાત કરતાં કે વિરોધ કરતાં ખચકાય છે, જે વાતથી મનદુ:ખ થયું હોય એ સ્પષ્ટપણે ના કહી શકતા હોવાથી અબોલા, રિસાઈ જવું કે મૌનને પોતાની લાગણીની ભાષા બનાવે છે. કેટલાક લોકો માટે રિસાવું એ પોતાની તરફ ધ્યાનાકર્ષણનું માધ્યમ બની જાય છે તો કોઈના માટે સામે વાળી વ્યક્તિને નિયંત્રિત કરવા કે પોતાનો અહમ્‌‍ સંતોષવા લોકો રિસાતા હોય છે,

અલબત્ત, આ માનસિક પ્રક્રિયા મોટેભાગે એમની જાણ બહાર જ થતી હોય છે. અમુક લોકોને બહુ જૂની વાતો યાદ રાખીને સમય આવે એના વિશે ફરિયાદો કરવાની પણ આદત હોય છે . જે અંતે મતભેદ કે મનભેદ સુધી દોરી જાય છે.

હવે અહીં પ્રશ્ન એ થાય છે કે રિસાવાનો હક કરવો કેટલો વાજબી છે? ખરાબ લાગવું એ સહજ પ્રતિક્રિયા છે. રિસાવું એ શીખેલું વર્તન છે, પરંતુ અવારનવાર રિસાઈ જવું એ વ્યાજબી નથી. જો કોઈ વાત ના ગમી હોય તો નિખાલસતાથી ખુલાસો કરી શકાય. જો કોઈએ ઓછું મહત્ત્વ આપ્યું હોય તો અપેક્ષા છોડી સાનુકૂળ થઈ શકાય.

 

રિસાઈને સામેની વ્યક્તિને સજા આપવી એના કરતાં બંને પક્ષે સહમતી સ્થાપવી વધુ યોગ્ય ગણાય. એમ તો દરેક રિસામણું ખોટું ના પણ હોય. ધારોકે કોઈને વારંવાર અવગણવામાં આવે, અપમાનિત કરવામાં આવે અથવા નિર્ણયોમાં   સતત બહાર રાખવામાં આવે તો તેની નારાજગી યોગ્ય હોઈ શકે. એમ કહીએ તો ખોટું નથી કે રિસાવાનો અધિકાર    સૌને છે, પણ દરેક વખતે બીજાને મનાવવાની ફરજ હોતી નથી.

 

જોકે પહેલેથી કોઈ પણ રિસાય તો એમને મજાકમાં `રિસાયેલા ફુવા' કહે છે ને, પણ હકીકતે જે રિસાય એ હંમેશાં ફુવા જ નથી હોતા. કોઈ વાર ભાઈ, ભાભી, કાકા, કાકી, માસા, માસી, મામા, મામી, ભાઈ, બહેન કે પછી પતિ પત્ની પણ હોય છે. કોઈનું પણ રિસાવવું સ્વાભાવિક રીતે ન જ ગમે. તો પછી કોઈના ખાસ પ્રસંગે ખોટું લગાડીને પ્રસંગ બગાડવો શા માટે? રિસાયા, પણ કોઈ મનાવવા જ ના આવે તો? ક્યાંક ને ક્યાંક આપણું મન પણ જાણે છે કે આપણે રિસાઈએ ત્યાં જ જ્યાં મનાવવાની ખાતરી હોય છે! 

 

આ વિશે બોલો, તમે શું કહો છો?