- ડૉ. બળવંત જાની
(ગતાંકથી ચાલુ)
હે જામ લાખા, બાપ આ ચારણઆઈનું રૂપ રૂપી ધન તને અજરસે-પચશે નહીં. એ લોઢું ગણાય તને ભારે પડશે. પણ જામ રાવળની નજર તો કામબાઈ આઈના શરીર ઉપર છાતી ઉપર ફરતી રહી અને હાથમાં પાણીનો લોટો એમ ને એમ રહી ગયો, તેથી ત્રીજો દુહો કહ્યો,
ચમક પાણ લોહ ઓખદી, પાનંગ વખ પરાં
અમરત ખાધે ન ઉતરે, ચારણ લોહી બરાં..
હે રાજવી લોઢું ન પચે તો તેનું ઔષ્ાધ ચકમપાણ નામનો પથ્થર ગણાય છે. સર્વના ઝેરનું ઔષ્ાધ અમૃત ગણાય છે. પણ અમૃત ખાવાથીય જે ઝેર ન ઊતરે એવું ચારણનું લોહી હોય છે.
દુહો પૂરો કરીને રાજવીની કાયમી-કુડી નજર પારખી ગયેલા કામબાઈ ઓરડામાં જઈને કટારીથી પોતાના ભરાવદાર સ્તન કાપી થાળીમાં રાખીને રાજવી સામે થાળ ધરતા કહે લ્યો તમારી નજરે જે ચડયું હતું એ રૂપ કહીને કટારી ઉપરનું, છાતી ઉપરનુંં લોહી રાજવી ઉપર છાંટયું.
રાજવી હબકી ગયા. ઊભા થઈને ઘોડી પલાણીને જામનગરને રસ્તે ચઢયા પણ પાછળ કામબાઈ આઈએ થાળી લઈને લોહી છાંટતી દોટ મૂકી. રાજવી થરથરી જઈને ઘોડા ઉપરથી નીચે ઉતરીને પાઘા પાથરતા કહે આઈ મને માફ કરો, મને સેવકે ભૂલવ્યો કહીને પગે પડયા. પણ કામબાઈ આઈનો ક્રોધ ભભૂકી ઉઠેલો, તે સીમમાં-વગડામાં વળી પાછો એક દુહો કહ્યો.
ચારણ ને ચકમક તણી ઓછી મ ગળ્યે આગ
ટાઢી તોય તાગ, તોય લાગે લાખણ શિયડા..
જેમ ચકમકના પથ્થરની અંદર અગ્નિ છુપાયેલો જ હોય છે. એ ભલે દેખાવે ઠંડો લાગે, રૂપાળો લાગે, પણ ઘર્ષ્ાણ થતાં જ આગના તણખા ખેરે. એમ હું તને બાળીને ભસ્મ કરીશ.
દુહો ગાયો રાવળ જામ પાયલાગણ કરીને નીકળ્યા. ગઢની રાંગે પહોંચી પાછું વાળી જોયું તો આઈ પાછળ જ લોહી છાંટતા-છાંટતા આવતા હતા. રાજવી મોઢામાં ખડનું-ઘાંસનુંં તરણું લઈ પગે પડયો. આઈ મને માફ કરો. આઈએ પાછો દુહો કહ્યો એવી વાયકા છે.
જૂનો રાફ ન છેડીએ, જાગે કોક જડાગ
જાગી જાડેજા સરે, કામાઈ કાળો નાગ..
હે જાડેજા રાજવી, જૂના રાફડાને ખાલી માનીને ઉખેળવો-ઉકેરવો નહીં એમાંથી ઝેરી નાગ નીકળી પડે. કામઈ આઈ કાળા ઝેરી નાગની માફક તને ડંખશે. તને બાળી નાખશે. પણ તે મોઢામાં ખડનું તરણું લઈને-ગાયની માફક માફી માગી છે તો સાંભળ ભૂલચૂકથી પણ હવે ગઢમાંથી ખજુરિયા નેશ તરફની ઓતરાદિ બારીમાંથી આ તરફ દૃષ્ટિ ન માંડતો. કહીને આઈ અલોપ થઈ ગયેલા.
પણ બાર પંદર વર્ષ્ પછી નવા રાણીના આગ્રહથી સમુની વિશાળ-પકૃતિ અવલોકવા માટે રાજા પાસે બારી ખોલાવી અને રાણીને ખજુરિયા નેસની આઈની વાત કહેતા તે તરફ આગળી ચિંધી કે તૂર્ત જ આગના લિસોટાથી આગ આવી પહોંચી અને રાજવી બળીને ભડથું થઈ ગયા.
આજે પણ એ ખજુરિયા નેસમાં બે ઓરડામાં કામબાઈ આઈનું સ્થાનક છે. અનેક લોકો તેની માનતા માનીને આ સ્થાનકે દર્શને જતા હોય છે.