ભુજઃ સમુદ્રી વેપાર ક્ષેત્રે કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને ગ્રીન એનર્જી સંક્રમણને વેગ આપવાના ભાગરૂપે કંડલા સ્થિત દીનદયાળ પોર્ટ ઓથોરિટી (ડીપીએ) ખાતે ₹2300 કરોડના જંગી રોકાણથી આકાર પામનારા 150 ટીપીડી (ટન પ્રતિ દિવસ) ક્ષમતાના ઈ-મિથેનોલ પ્લાન્ટનો શિલાન્યાસ સમારોહ આગામી તા. 26 સપ્ટેમ્બરના રોજ યોજાશે. કેન્દ્ર સરકારે દીનદયાળ પોર્ટને ‘ગ્રીન હાઇડ્રોજન હબ’ જાહેર કર્યા બાદ આ દિશામાં આ પ્રોજેક્ટ એક સીમાચિહ્નરૂપ કદમ સાબિત થશે.
ઉત્પાદનમાં પણ અસર થશે
દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને આસામ પેટ્રો-કેમિકલ્સ લિમિટેડના સંયુક્ત સહયોગથી સ્થપાનારો આ પ્રોજેક્ટ દેશની અગ્રણી ઈ-મિથેનોલ ઉત્પાદન સુવિધાઓમાં સ્થાન પામશે. કંડલા ડીપીએ એક્ઝિબિશન ગ્રાઉન્ડ ખાતે સવારે 11 કલાકે યોજાનારા આ ભવ્ય સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંત બિસ્વા સરમા, કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલ, કેન્દ્રીય રાજ્યમંત્રી શાંતનુ ઠાકુર, ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ આસામના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી બિમલ બોરાહ વિશેષ ઉપસ્થિત રહેશે. ભારતના સૌથી વ્યસ્ત પશ્ચિમી દરિયાઈ વેપાર માર્ગ પર સ્થિત હોવાથી આ પ્લાન્ટ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનો પૂરવાર થશે.
ઉદ્યોગજગતના મોટા અગ્રણી પધારશે
ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સિંગાપોર-રોટરડેમ ગ્રીન શિપિંગ કોરિડોર પર અવરજવર કરતાં વિશાળ કાર્ગો જહાજો માટે ગ્રીન ઇંધણ પૂરું પાડવામાં આ પ્લાન્ટ મુખ્ય ભૂમિકા ભજવશે, જેનાથી વૈશ્વિક ગ્રીન-ફ્યુઅલ ઇકોસિસ્ટમમાં ભારતનું સ્થાન વધુ મજબૂત બનશે. આ શિલાન્યાસ અવસરે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, આસામના નાહરકટિયાના ધારાસભ્ય તરંગા ગોગોઈ, કેન્દ્રીય શિપિંગ સચિવ વિજય કુમાર, એપીસીએલના ચેરમેન બિકુલ ડેકા, વાઈસ ચેરમેન હેમંત ગોગોઈ તેમજ ડીપીએના ચેરમેન સુશીલકુમાર સિંઘ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
ઉત્સવ વૈદ્ય