Tue Oct 06 2026

Logo

કપલે બાળકીને 1.2 લાખ રૂપિયામાં વેચી: પછી ત્રણ વખત વેચવામાં આવેલી બાળકી હૈદરાબાદમાં મળી

2026-09-30 20:01:52
Author: Yogesh C. Patel
કપલે બાળકીને 1.2 લાખ રૂપિયામાં વેચી: પછી ત્રણ વખત વેચવામાં આવેલી બાળકી હૈદરાબાદમાં મળી

છત્રપતિ સંભાજીનગર: છત્રપતિ સંભાજીનગરમાં લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા કપલે એક મહિનાની બાળકીને 1.2 લાખ રૂપિયામાં વેચી દીધી હતી. પછી આગળ ત્રણ વખત વેચવામાં આવેલી છેક હૈદરાબાદથી મળી આવતાં પોલીસે સાત આરોપીની ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ મજૂરી કરતા યુગલે બાકીને વેચીને મેળવેલી રકમમાંથી મોબાઈલ ફોન અને સોનું ખરીદ્યું હતું. યુગલ સહિત સાત જણની ધરપકડ કરવામાં આવી હોઈ છોડાવાયેલી બાળકીને ઘોડિયાઘરમાં રાખવામાં આવી છે.

બાળકીને વેચવાનો મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો, જ્યારે માતાએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. માતાએ પોલીસને કહ્યું હતું કે પાંચમી જુલાઈએ જન્મેલી બાળકીને સાત ઑગસ્ટે કૌશલ્યા પવાર અને તેની દીકરી સીમા રેશવાલ કથિત રીતે પોતાની સાથે લઈ ગઈ હતી.

માતાએ આક્ષેપ કર્યો હતો કે બે મહિલાએ તેની અને તેના લિવ-ઈન પાર્ટનરની અમુક કાગળ પર સાઈન લીધી હતી અને 1.2 લાખની રોકડ આપી હતી. આ પ્રકરણે 23 સપ્ટેમ્બરે મુકુંદવાડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

પોલીસ તપાસમાં જણાયું હતું કે ફરિયાદી મહિલા અને તેનો લિવ-ઈન પાર્ટનર મજૂરી કરતાં હતાં. ફરિયાદીનો પાર્ટનર દારૂ પીવાનો આદિ હતો. બાળકીને 1.2 લાખ રૂપિયામાં વેચ્યા પછી તરત જ તેમણે પચીસ હજાર રૂપિયામાં બે મોબાઈલ ફોન અને 62 હજાર રૂપિયાનું સોનું ખરીદ્યું હતું. કૌશલ્યા અને ફરિયાદી સાથે કામ કરતા હોવાથી એકબીજાને ઓળખતી હતી.

બાદમાં બાળકીને ત્રણ વખત વેચવામાં આવી હતી. સીમાએ સંગીતા આવ્હાડ નામની મહિલાને 2.7 લાખ રૂપિયામાં બાળકી વેચી હતી અને સંગીતાએ 3.5 લાખ રૂપિયા લઈને તેલંગણા જિલ્લાના જગતિયાલ ખાતે રહેતા સુરેશ ગુન્ટુકાને આપી હતી, એવું તપાસ અધિકારી હરેશ્ર્વર ઘુગેએ જણાવ્યું હતું.

બાળકીને વેચીને થયેલા 1.5 લાખ રૂપિયાના ‘નફા’માંથી કૌશલ્યાએ પોતે 1.1 લાખ રૂપિયા રાખ્યા હતા, જ્યારે સીમાને 40 હજાર રૂપિયા આપ્યા હતા. આ રકમમાંથી બન્નેએ દેવું ચૂકવ્યું હતું.

દરમિયાન સુરેશે બાળકી હૈદરાબાદમાં રહેતી મહિલા સંબંધીને સોંપી હતી. આ માટે સુરેશને પણ 3.5 લાખ રૂપિયા મળ્યા હતા. ગાર્મેન્ટનો બિઝનેસ ધરાવતી હૈદરાબાદની મહિલાને ટ્રીટમેન્ટ છતાં સંતાન થતું ન હોવાથી તેને સંતાનની તીવ્ર ઝંખના હતી. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

(પીટીઆઈ)