રાજકોટ: રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે ગાંજાના નેટવર્ક સામે કાર્યવાહી કરતા ઓડિશાના જંગલ વિસ્તારમાંથી નાસતા ફરતા ગાંજાના મુખ્ય સપ્લાયરને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીની ઓળખ અમિત ઉર્ફે ગુરખો કાતીયાર તરીકે થઈ હતી.
તપાસમાં શું આવ્યું સામે
ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે અમિત ઉર્ફે ગુરખો કાતીયાર ઓડિશાથી ગાંજાનો જથ્થો મંગાવી સપ્લાય કરતો હતો. ગુનો નોંધાયા બાદ તે નાસતો ફરતો હતો, જેને ઝડપી પાડવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી હતી. અંતે પોલીસ ટીમે ઓડિશાના જંગલ વિસ્તારમાંથી તેને ઝડપી પાડ્યો હતો.
રાજકોટમાં ભાઈ કરતો હતો ગાંજાનો સપ્લાય
પોલીસ તપાસમાં વધુ એક મહત્વનો ખુલાસો થયો હતો. અમિતનો ભાઈ સિકંદર ઉર્ફે ઇમરાન રાજકોટમાં ગાંજાનો જથ્થો રિસીવ કરતો હતો અને ત્યારબાદ સૌરાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારોમાં પેડલરો મારફતે ગાંજાનો સપ્લાય કરવામાં આવતો હતો.
આ મામલે પોલીસે અમિત ઉર્ફે ગુરખો કાતીયાર અને તેના ભાઈ સિકંદર ઉર્ફે ઇમરાન બંનેની ધરપકડ કરી છે. બંને આરોપીઓને 10 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
હવે પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીઓ પાસેથી ગાંજાના સપ્લાયનું સમગ્ર નેટવર્ક, ઓડિશામાંથી જથ્થો કોણ પાસેથી મેળવવામાં આવતો હતો, રાજકોટમાં કોને સપ્લાય કરવામાં આવતો હતો અને સૌરાષ્ટ્રમાં કયા પેડલરો સાથે કનેક્શન હતું તે અંગે વધુ વિગતો મેળવવા તપાસ કરશે.