Mon Oct 05 2026

Logo

ગુજરાતમાં ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સ્કૂલો બાદ હવે પાસપોર્ટ ઓફિસોને મળ્યો ઈમેલ

2026-02-27 12:23:00
Author: Mayur Patel
ગુજરાતમાં ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સ્કૂલો બાદ હવે પાસપોર્ટ ઓફિસોને મળ્યો ઈમેલ


અમદાવાદઃ ગુજરાતમાં સ્કૂલો બાદ હવે પાસપોર્ટ ઓફિસોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. બોર્ડની પરીક્ષાનો ગઈકાલથી આરંભ થયો છે ત્યારે ફરી આવો ઈમેલ મળતાં ફફડાટ ફેલાયો છે. અમરેલી, સુરત, ભાવનગર સહિત રાજ્યની મોટાભાગની પાસપોર્ટ ઓફિસને આવો ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો. જે બાદ પોલીસ અને બોમ્બ સ્કવોડની ટીમે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

સુરત પાસપોર્ટ ઓફિસના સત્તાવાર ઈ-મેઈલ આઈડી પર આજે વહેલી સવારે અંદાજે ૫:૦૦ વાગ્યે એક મેઈલ પ્રાપ્ત થયો હતો. સંપૂર્ણ અંગ્રેજીમાં લખાયેલા આ મેઈલમાં ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી આપવામાં આવી હતી. સવારે ઓફિસ ખુલતાની સાથે જ જ્યારે સ્ટાફનું ધ્યાન આ મેઈલ પર ગયું, ત્યારે તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. હાલ સુરત પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

સુરતની સાથે સૌરાષ્ટ્રની બે શહેરોમાં પણ સમાન પ્રકારની ધમકી મળી હતી. અમરેલીની મુખ્ય પોસ્ટ ઓફિસમાં પણ બોમ્બની ધમકી મળતા અફરાતફરી મચી ગઈ હતી. સમાચાર મળતા જ અમરેલી ફાયર ટીમ, બોમ્બ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સુરક્ષાના ભાગરૂપે આખી પોસ્ટ ઓફિસ તાત્કાલિક ખાલી કરાવવામાં આવી છે અને સમગ્ર પરિસરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

ભાવનગર હેડ પોસ્ટ ઓફિસના ડિવિઝનલ વડાને ઈ-મેઈલ દ્વારા ધમકી મળતા તંત્ર સતર્ક થઈ ગયું હતું. પોલીસ કાફલાએ પોસ્ટ ઓફિસ પહોંચી તપાસ શરૂ કરી હતી. સાયબર ક્રાઈમની ટીમ આ મેઈલ ક્યાંથી અને કોના દ્વારા મોકલવામાં આવ્યા છે તેની ટેકનિકલ તપાસ કરી રહી છે. હાલમાં તમામ સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને જનતાને ગભરાવાની જરૂર નથી તેવી અપીલ કરવામાં આવી છે.