Mon Oct 05 2026

Logo

માધાપર પોક્સો કેસમાં આરોપી નિર્દોષ જાહેર કરી ભુજ વિશેષ અદાલતે શું કહ્યું ?

2026-10-03 14:25:00
Author: Mumbai Samachar Team
માધાપર પોક્સો કેસમાં આરોપી નિર્દોષ જાહેર કરી ભુજ વિશેષ અદાલતે શું કહ્યું ?

ભુજ: માધાપર પોલીસ મથકે નોંધાયેલા સગીરાના કથિત અપહરણ અને પોક્સો એક્ટ હેઠળના ગંભીર ગુનામાં ભુજની નામદાર વિશેષ પોક્સો અદાલતે મહત્વપૂર્ણ ચુકાદો આપતાં આરોપી રજાક ઓસમાણ સમાને શંકાનો લાભ આપી તમામ આરોપોમાંથી નિર્દોષ મુક્ત જાહેર કર્યો છે.

કેસની વિગતો અનુસાર, ફરિયાદીની ૧૫ વર્ષ, ૨ મહિના અને ૨૮ દિવસની સગીર પુત્રીને આરોપી રજાક ઓસમાણ સમા લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવાના આક્ષેપ સાથે માધાપર પોલીસ સ્ટેશનમાં ગત તા. ૧૯-૧-૨૦૨૬ના રોજ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપીની અટકાયત કરી જરૂરી પુરાવા એકત્ર કર્યા બાદ અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

આ કેસ ભુજની વિશેષ પોક્સો કોર્ટ સમક્ષ ચાલવવામાં આવતાં ફરિયાદ પક્ષે આરોપોની સાબિતી માટે ૧૪ સાક્ષીઓની જુબાની અને ૩૦ જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. સુનાવણી દરમિયાન આરોપી તરફે ઉપસ્થિત રહેલા એડવોકેટ કે.પી. ગઢવીએ બચાવ પક્ષે ધારદાર દલીલો અને પુરાવાઓ રજૂ કર્યા હતા. અદાલતે બંને પક્ષોની દલીલો તેમજ રેકોર્ડ પરના પુરાવાઓ ધ્યાને લઈ નોંધ્યું હતું કે ફરિયાદ પક્ષ આરોપી વિરુદ્ધ ગુનો સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે, જેથી આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો હતો.

આ ચુકાદામાં વિશેષ અદાલતે ભોગ બનનારના જન્મના દાખલામાં પિતાના નામમાં થયેલા સુધારા-ફેરફાર બાબતે ગંભીર નોંધ લીધી હતી. અદાલતે અંજાર નગરપાલિકાના મુખ્ય અધિકારીને આ મામલે યોગ્ય અને તટસ્થ તપાસ કરી ત્રણ માસની અંદર વિસ્તૃત તપાસ અહેવાલ અદાલત સમક્ષ રજૂ કરવાનો આદેશ કર્યો છે. 

(ઉત્સવ વૈદ્ય)