બનાસકાંઠાઃ વાવ તાલુકાના મોરીખા ગામના યુવક લખીરામ પરમારના મોતના કેસમાં તપાસ બાદ નવો વળાંક આવ્યો છે. શરૂઆતમાં અકસ્માતે મોત તરીકે નોંધાયેલા આ કેસમાં તપાસ દરમિયાન હત્યાનો ગુનો બનતો હોવાનું સામે આવ્યું હોવાની માહિતી પોલીસે આપી હતી. દફનવિધિના ૮૪ દિવસે મૃતદેહ બહાર કઢાયા બાદ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. સેશન્સ કોર્ટના આદેશ બાદ કેસમાં આઈપીસી કલમ ૩૦૨નો ઉમેરો કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, લખીરામ પરમાર ગુમ થયા બાદ પરિવારજનોએ વાવ પોલીસ મથકે જાણ કરી હતી. બીજા દિવસે મોરીખા ગામના 'વારીયા' તરીકે ઓળખાતા તળાવમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. શરૂઆતમાં પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી હતી.
જોકે, પરિવારજનોએ યુવકની હત્યા કરી મૃતદેહ તળાવમાં ફેંકાયો હોવાનો આક્ષેપ કરી તપાસની માંગ કરી હતી. ત્યારબાદ પાંચ લોકો સામે આઈપીસી કલમ ૩૦૬ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને આરોપીઓને ઝડપી જેલ હવાલે કરવામાં આવ્યા હતા. મૃતદેહનું ધારપુર હોસ્પિટલમાં પેનલથી પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ અંતિમવિધિ કરવામાં આવી હતી.
પરિવારજનો અને દલિત સમાજના આગેવાનો દ્વારા વધુ તપાસની માંગ સાથે આવેદન, રેલી અને વિરોધ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રેન્જ આઈ.જી. દ્વારા તપાસની જવાબદારી સિદ્ધપુરના ડી.વાય.એસ.પી. કે.કે. પંડયાને સોંપવામાં આવી હતી.
તપાસના ભાગરૂપે દફનવિધિના ૮૪ દિવસ બાદ મૃતદેહ બહાર કાઢી વધુ તપાસ કરવામાં આવી હતી. ડી.વાય. એસ.પી.ની તપાસ બાદ રિપોર્ટ થરાદ સેશન્સ કોર્ટમાં રજૂ કરાયો હતો. સુનાવણી બાદ કોર્ટે કેસમાં આઈપીસી કલમ ૩૦ર ઉમેરવાનો આદેશ કર્યો હોવાનું પોલીસ તરફથી જણાવાયું છે. જે બાદ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.