બનાસકાંઠાઃ એક્સિડન્ટમાં માર્યા ગયેલા ગુજ્જુ લવ ગુરૂના પરિવાર માટે મદદનો વરસાદ થયો હતો. રૂ. 3.50 કરોડથી વધુની મદદ મળી હતી. નીતિન જાની ઉર્ફે ખજુરભાઈએ આ જાહેરાત કરી હતી.
ગઈકાલે નિતીન જાની ઉર્ફે ખજૂરભાઈએ જાહેરાત કરતાં જણાવ્યું કે, આ સમગ્ર અભિયાન દરમિયાન દેશ અને વિદેશમાંથી લોકોએ ઉદાર હાથે ફાળો આપીને કુલ રૂ. 3.50 કરોડ રકમની આર્થિક મદદ પૂરી પાડી હતી. જેમાં રૂ. 2.96 કરોડ ઓનલાઇન માધ્યમથી અને રૂ. 53.71 લાખ રોકડ રૂપે મળ્યા છે.
સ્વ. ચંદનના ભાઈના નામે રૂ. 1 કરોડ, પિતાના નામે રૂ. 40 લાખ, પત્નીના નામે રૂ. 41 લાખ તથા બંને બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા તેમના નામે રૂ. 41-41 લાખની ફિક્સ ડિપોઝિટ (FD) કરવામાં આવશે. આ ઉપરાંત, ચંદનની ત્રણેય બહેનોના નામે પણ રૂ. 11-11 લાખની એફડી કરવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે રોકડ સ્વરૂપે મળેલી રૂ. 53.71 લાખની રકમમાંથી ચંદનના નાના દીકરાના નામે જમીન ખરીદવામાં આવશે.
આ ઉપરાંત તેમણે સ્પષ્ટતા કરી હતી કે ચંદનના પિતાનું QR કોડ/સ્કેનર હવે બંધ કરી દેવામાં આવ્યું છે, તેથી હવે કોઈએ પણ ઓનલાઇન નાણાં ટ્રાન્સફર ન કરવા. આસો નવરાત્રિના બીજા નોરતાથી જ ચંદનના પરિવાર માટે નવું મકાન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. ગુજરાત ઉપરાંત દેશના અન્ય રાજ્યો તેમજ વિદેશમાં વસતા ગુજરાતીઓએ પણ પોતાની ક્ષમતા પ્રમાણે આર્થિક સહયોગ આપ્યો હતો. મોટી સંખ્યામાં લોકોએ અભિયાનમાં જોડાઈને પરિવાર પ્રત્યે સહાનુભૂતિ અને મદદની ભાવના વ્યક્ત કરી હતી.
ચંદન રાઠોડ મૂળ વાવ-થરાદના સુઈગામના વતની હતા. તેમના પરિવારની આર્થિક સ્થિતિ નબળી હતી અને તેમના પિતા ખેતીકામ કરીને ગુજરાન ચલાવતા હતા. તેમના પરિવારમાં ત્રણ બહેનો અને એક ભાઈ છે. તેમના પોતાના પરિવારમાં સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે. તેમણે ગામની સ્કૂલમાં જ ધોરણ-10 સુધીનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસ દરમિયાન તેમનું ધ્યાન ભણવા કરતાં મજાક-મસ્તીમાં વધુ રહેતું, જેના કારણે તેમને શિક્ષકનો માર પણ પડતો હતો.
જાણીતા હાસ્યકલાકાર રમેશ મહેતાની ફિલ્મો જોઈને તેમને કોમેડી કરવાનો શોખ જાગ્યો હતો. ધોરણ-10 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પગભર થવા માટે તેમણે સિરામિક ઉદ્યોગમાં નોકરી શરૂ કરી હતી. નોકરીની સાથે-સાથે તેમણે ટિકટોક (TikTok) પર કોમેડી વીડિયો બનાવવાની શરૂઆત કરી હતી.કીર્તિ પટેલ સાથે વીડિયો બનાવવાથી તેમને વધુ લોકપ્રિયતા અને ખ્યાતિ મળી હતી. ટિકટોક પર પ્રતિબંધ આવ્યા બાદ તેમણે યુટ્યુબ (YouTube) પર વીડિયો અપલોડ કરવાનું શરૂ કર્યું હતું. તેમની ‘ગુજ્જુ લવ ગુરુ’ નામની યુટ્યુબ ચેનલ પર 10 લાખથી વધુ સબસ્ક્રાઇબર્સ છે. ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવાની શરૂઆત કર્યા બાદ હાલમાં ત્યાં તેમના 18 લાખથી વધુ ફોલોઅર્સ છે