Mon Oct 05 2026

Logo

આતમને અજવાળતો તારાઓનો ગણિતશાસ્ત્રી: ઉમર ખય્યામ

2026-09-14 08:21:00
Author: Bhargav Thakar
આતમને અજવાળતો તારાઓનો ગણિતશાસ્ત્રી: ઉમર ખય્યામ

- ભાર્ગવ ઠાકર 

એક રાત્રે ઇરાનના નિશાપુર શહેરની ખુલ્લી વેધશાળામાં, ઠંડા પવનો વચ્ચે, એક યુવાન પોતાની આંગળીઓથી આકાશના નકશા પર તારાઓના અંતર માપી રહ્યો હતો. તેની નજરમાં બ્રહ્માંડના અટપટાં સમીકરણો ઉકેલવાની તાકાત હતી, તો બીજી બાજુ દિવસે તે જ હસ્તકૌશલથી સમયના પ્રવાહને બાંધતું `જલાલી કેલેન્ડર' ઘડી રહ્યો હતો. લોકો તેને મહાન ગણિતશાસ્ત્રી `ઘિયાસુદ્દીન અબુલ ફતહ ઉમર ઇબ્ન ઇબ્રાહીમ અલ-ખય્યામ' તરીકે ઓળખતા. પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે આ વિજ્ઞાનીના ભીતર એક એવો કલંદર ફકીર શ્વાસ લેતો હતો, જેની કલમમાંથી નીકળેલી ચાર પંક્તિઓ (બાઈઓ) સદીઓ સુધી માનવજાતના હૃદય પર રાજ કરવાની હતી. 11મી સદીના સેલ્જુક સામ્રાજ્યના આ સુવર્ણયુગમાં, ધાર્મિક કટ્ટરતા અને રાજકીય કાવાદાવા વચ્ચે પણ જેણે જીવનની નશ્વરતા અને બ્રહ્માંડનાં રહસ્યોને કવિતામાં ઢાળ્યા, તેવા ઉમર ખય્યામની આ આધ્યાત્મિક સફર અદ્ભુત છે.

ઇ.સ. 1048માં જન્મેલા ઉમર ખય્યામ યુવાનીના દિવસોમાં તેમના બે ખાસ મિત્રો નિઝામ-ઉલ-મુલ્ક અને હસન-ઇ-સબાહ સાથે એક વચનમાં બંધાય છે. ત્રણેયમાંથી ભવિષ્યમાં જે કોઈ મોટી સત્તા કે પદ મેળવશે, તે બાકીના બે મિત્રોનો પણ ભાગ્યોદય કરશે. સમય જતાં નિઝામ-ઉલ-મુલ્ક સેલ્જુક સામ્રાજ્યનો વઝીર બન્યો. વચન મુજબ તેણે મિત્રોને બોલાવ્યા. હસન-ઇ-સબાહે સત્તા માગી અને મોટો હોદ્દો મેળવ્યો (જે પાછળથી કુખ્યાત `એસેસિન્સ' સમૂહનો સ્થાપક બન્યો). પરંતુ જ્યારે ઉમરનો વારો આવ્યો, ત્યારે આ જ્ઞાની પુરુષે સત્તા કે સંપત્તિ ઠુકરાવી દીધી. તેમણે વઝીરને કહ્યું, `મને માત્ર એક એવો શાંત ખૂણો આપી દે, જ્યાં બેસીને હું તારાઓનો અભ્યાસ કરી શકું અને મારી કવિતાઓ રચી શકું.' વઝીરે તેમને આજીવન પેન્શન બાંધી આપ્યું અને ઉમર રાજકારણની ગંદકીથી દૂર રહી જ્ઞાનની સાધનામાં મગ્ન રહ્યા અને લખ્યું;

આ જગત એક એવી જૂની ધર્મશાળા છે, જેના બે જ દરવાજા છે, 
દિવસ અને રાત અહીં આવવા-જવાના રસ્તાઓ છે. 
અહીં કેટલાય સિકંદરો અને બાદશાહો આવ્યા અને ચાલ્યા ગયા, 
આ તો એવો મંચ છે જ્યાં સૌનો માત્ર થોડા સમયનો પડાવ છે. 
(અહંકાર મુક્ત જીવન જીવવાની આ સૌથી મોટી શીખ છે.) 

સત્તા અને સંપત્તિના આ ક્ષણિક પડાવને ઓળખી ચૂકેલા ખય્યામને એકાંત મળ્યું. વેધશાળાની રાતોમાં ગ્રહોની ગતિ માપતા માપતા આ મહાન વિજ્ઞાનીને એ પણ સમજાઈ ગયું કે બ્રહ્માંડના અફર નિયમો અને સમયના વહેણ સામે માણસની કોઈ કારી ફાવતી નથી. નિયતિની સર્વોપરિતાનો આ સ્વીકાર તેમની કલમમાંથી એક શક્તિશાળી બાઈ બનીને વહ્યો:

નિયતિની આંગળીઓ લખતી જ જાય છે, અને લખીને આગળ વધતી જાય છે; 
તારી કોઈ ચતુરાઈ કે ભક્તિ એને એક શબ્દ પણ પાછો ખેંચવા મજબૂર નથી કરી શકતી. 
તું ગમે તેટલા આંસુ વહાવે તો પણ શું? 
તારા આંસુ એના લખેલા લેખનો એક અક્ષર પણ નથી ભૂંસી શકતા.
(સમય અને નિયતિ આગળ માણસની લાચારીનો આનાથી મોટો અને સચોટ સ્વીકાર બીજો કોઈ ન હોઈ શકે.)

આ નિયતિ આખરે માણસને ક્યાં લઈ જાય છે? ખય્યામ માત્ર આકાશમાં જ નહોતા વિહરતા; તેમની નજર આસપાસ ધબકતા જીવન અને છેવટે માટીમાં ભળી જતા માનવદેહ પર પણ એટલી જ ઊંડી હતી. એકવાર બજારમાંથી પસાર થતી વખતે એક કુંભારને ભીની માટી નિર્દયતાથી ગૂંદતો જોઈને આ ફિલસૂફનું હૃદય બોલી ઊઠ્યું:

ગઈકાલે મેં બજારમાં એક કુંભારને જોયો, જે ભીની માટીને નિર્દયતાથી ગૂંદી રહ્યો હતો; ત્યારે અચાનક એ માટીમાંથી એક અત્યંત ધીમો અવાજ ઊઠ્યો; 

`અરે ભાઈ! જરા હળવેકથી ગૂંદ મને, ભૂલી ગયો? હું પણ ક્યારેક તારા જેવો જ એક જીવતો જાગતો માણસ હતો!'
(મૃત્યુના સનાતન સત્ય અને માનવ દેહની નશ્વરતાને માટીના પ્રતીક દ્વારા હૃદયસ્પર્શી રીતે વર્ણવી છે.) 

જો અંતે માટી જ થવાનું છે, તો પછી ગઈકાલનો વસવસો અને આવતીકાલની ચિંતા શા માટે? ખય્યામની બાઈઓનો સૌથી પ્રબળ સૂર `આજમાં જીવી લેવાનો' છે. તેમનાં કાવ્યોમાં આવતા `શરાબ' કે `પ્યાલા' એ કોઈ ભૌતિક નશાના નહીં, પરંતુ ઈશ્વરીય પ્રેમ અને વર્તમાનની મસ્તીના હાની પ્રતીકો છે. આપણા ગુજરાતી સાહિત્યના પ્રખર ગઝલકાર શૂન્ય પાલનપુરીએ ખય્યામની આ જ ફિલસૂફીને અત્યંત સહજતાથી ગુજરાતી વાઘા પહેરાવ્યા છે. ભવિષ્યના કાલ્પનિક સ્વર્ગની રાહ જોવાને બદલે, આજની ક્ષણને જ સ્વર્ગ બનાવવાની વાત શૂન્યભાઈના અનુવાદમાં જાણે ખય્યામ ખુદ ગુજરાતીમાં બોલતા હોય તેવી પ્રવાહી બની છે:

`એક રોટીનો ટુકડો ને પ્યાલો શરાબ હોય, 
સાથે વાંચવાને કોઈ સુંદર કિતાબ હોય;
રણમાં જો તું મળી જાય સંગાથ આપવા, 
તો એ રણ પણ મારા માટે કોઈ સ્વર્ગનો ખિતાબ હોય!'

જીવનના આ સાદા પણ ચિરંતન આનંદને પામ્યા પછી, ખય્યામની આધ્યાત્મિક યાત્રા વધુ અંતર્મુખી બની. તેમણે ધર્મની રૂઢિઓ અને કર્મકાંડોની પેલે પાર જઈને બ્રહ્માંડના સર્વોચ્ચ સત્યને પોતાની ભીતર જ શોધી કાઢ્યું. સ્વર્ગ અને નર્ક કોઈ ભૌગોલિક સ્થાનો નથી, પણ માણસની આંતરિક અવસ્થા છે, એ સમજાવતી તેમની આ બાઈ આધ્યાત્મિકતાનું શિખર છે:

બ્રહ્માંડના રહસ્યો પામવા મેં આકાશ તરફ નજર દોડાવી, 
મેં ખુદાને પૂછ્યું કે આ સ્વર્ગ અને નર્કનો નકશો ક્યાં છે? 
ત્યારે આસમાનમાંથી એક ગૂઢ અવાજ આવ્યો અને કહ્યું: 
`અરે પાગલ! સ્વર્ગ અને નર્ક બીજે ક્યાંય નહીં, તારી પોતાની ભીતર જ છે.'
(સત્કર્મ અને આંતરિક શાંતિ જ સ્વર્ગ છે, જ્યારે સ્વાર્થ અને અશાંતિ જ નર્ક છે.) 

જ્ઞાનની આ ચરમસીમાએ પહોંચ્યા પછી, ઇ.સ. 1131માં નિશાપુરમાં જ્યારે તેમણે અંતિમ શ્વાસ લીધા, ત્યારે તેમની એક માત્ર અને અનોખી ઈચ્છા હતી: `મારી કબર એવી જગ્યાએ બનાવજો જ્યાં વસંત ઋતુમાં વૃક્ષો પરથી ખરી પડતાં ફૂલો મારી કબરને ઢાંકી દે.' આજે આઠ-નવ સદીઓ પછી પણ નિશાપુરમાં તેમની કબર પર વૃક્ષોની ડાળીઓ ઝૂકેલી છે અને વસંતનાં ફૂલો અવિરત વરસે છે. આકાશી ગ્રહોનાં સમીકરણો માંડનારો આ ગણિતશાસ્ત્રી, બાઈઓનાં એવાં જીવંત સમીકરણો આપી ગયો જે આજે પણ આપણા હૃદયમાં ધબકે છે. સમયના આ અફાટ સાગરમાં અસ્તિત્વના પરપોટા સમાન જિંદગીને કડવાશથી મુક્ત કરી, પૂરી સભાનતા, પ્રેમ અને કણાથી આજમાં જીવી લેવી - એ જ ઉમર ખય્યામની સાચી આધ્યાત્મિક વિરાસત છે.