ચાંગલાંગ: અરુણાચલ પ્રદેશના ચાંગલાંગ જિલ્લામાં ભારત-મ્યાનમાર સરહદ પર આસામ રાઈફલ્સના જવાનોની ટુકડી પર ઉગ્રવાદી હુમલો થયો હતો. જેમાં એક જવાન શહીદ થયો છે. આ હુમલો સવારે 6. 30 વાગ્યેની આસપાસ થયો હતો. આ હુમલો એવા સમયે થયો હતો જયારે જવાનોની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. હાલમાં ભારત-મ્યાનમાર સરહદ પર ફેન્સિંગ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે.
હવાલદાર જાનખોકાઈ કુકી શહીદ થયા
આ અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ ઉગ્રવાદીઓએ પેટ્રોલિંગ કરતી ટુકડી પર ગોળીબાર કર્યો હતો. જેમાં હવાલદાર જાનખોકાઈ કુકી (42) શહીદ થયા હતા. જ્યારે ચાર સૈનિકો ઘાયલ થયા હતા. જ્યારે ઘાયલ સૈનિકોને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. જોકે તેમની સ્થિતિ અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી.
હુમલાખોરોની ઓળખ નથી થઇ
જોકે, આ હુમલા બાદ સુરક્ષા દળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન સઘન કર્યું છે. પ્રાથમિક માહિતી મુજબ NSCN (K-YA) સાથે સંકળાયેલા ઉગ્રવાદીઓની સંડોવણી હોઈ શકે છે. જોકે, હુમલાખોરોની ઓળખ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આસામ રાઈફલ્સના સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે.
ચાંગલાંગના એસપી કિર્લી પાદુએ ઘટના અંગે માહિતી મળવાની પુષ્ટિ કરી હતી.તેમણે ચાંગલાંગ પોલીસ સ્ટેશનના અધિકારીને વિગતો એકત્રિત કરવાનો નિર્દેશ આપ્યો છે. એસપીએ કહ્યું, અમને ભારત-મ્યાનમાર સરહદ પર બનેલી આ ઘટના વિશે માહિતી મળી છે અને અમે ચાંગલાંગ પોલીસ સ્ટેશનના OC ને સંબંધિત વિગતો એકત્રિત કરવા કહ્યું છે.
ભારત-મ્યાનમાર સરહદ સંવેદનશીલ
ઉલ્લેખનીય છે કે, ચાંગલાંગ જિલ્લામાં ભારત-મ્યાનમાર સરહદ સંવેદનશીલ રહી છે, કારણ કે આ વિસ્તારમાં અને આંતરરાષ્ટ્રીય સરહદની પાર પણ બળવાખોર જૂથોની સતત ગતિવિધિઓ ચાલતી રહે છે.