Mon Oct 05 2026

Logo

આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં ટ્રેનની અડફેટે આવતા ચાર યુવકોના મોત, એક ઘાયલ

2026-09-23 20:17:15
Author: Chandrakant Kanoja
આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં ટ્રેનની અડફેટે આવતા ચાર યુવકોના મોત, એક ઘાયલ

શ્રીકાકુલમ: આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં એક ટ્રેન અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજ રાની એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવેલા પાંચ યુવાનોમાંથી ચાર યુવકના મોત થયા છે. જ્યારે એકની હાલત ગંભીર છે. આ અકસ્માતની  માહિતી મળતાં જ પોલીસ અને રેલવેના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી હતી. 

તમામ વિદ્યાર્થીઓ 20 વર્ષથી ઓછી વયના

શ્રીકાકુલમના પોલીસ અધિક્ષક કે.વી. મહેશ્વર રેડ્ડીએ  જણાવ્યું હતું કે આ અકસ્માતમાં ચાર વિદ્યાર્થીઓના મોત થયા છે અને એક વિદ્યાર્થી ઘાયલ થયો છે. તેમણે જણાવ્યું કે તમામ વિદ્યાર્થીઓ 20 વર્ષથી ઓછી વયના હતા અને નજીકના ગામના રહેવાસી હતા.

ટ્રેક ઓળંગતી વખતે વિદ્યાર્થીઓને ટ્રેનની ટક્કર વાગી હતી

તેમજ અકસ્માત અંગે  પોલીસના જણાવ્યા અનુસાર, રેલવે ટ્રેક ઓળંગતી વખતે વિદ્યાર્થીઓને ટ્રેનની ટક્કર વાગી હતી. આ અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં બચી ગયેલા વિદ્યાર્થી સોલોમન રાજે જણાવ્યું હતું કે યુવકો શૌચક્રિયા કરી પરત કરી રહ્યા હતા. આ વખતે અકસ્માત સર્જાયો હતો.

મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુએ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુએ આ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૃતક વિદ્યાર્થીઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. સીએમ નાયડુએ અધિકારીઓને અસરગ્રસ્ત પરિવારોને જરૂરી સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે.