અંબાજી: ગુજરાતમાં શકિતપીઠ અંબાજી ખાતે ભાદરવી પુનમના મેળા માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અંબાજીમાં 20 સપ્ટેમ્બર 2026 થી 26 સપ્ટેમ્બર 2026 દરમિયાન મેળો યોજાશે. જેમાં વહીવટી અને પોલીસ તંત્ર પૂરજોશમાં તૈયારીઓમાં લાગી ગયું છે. આ અંગે બુધવારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં મેળાની વ્યવસ્થા, સુરક્ષા અને યાત્રાળુઓની સુવિધાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.
સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી
ભાદરવી પૂનમના મેળા દરમિયાન લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી પહોંચતા હોય છે. તેમજ મંદિર પરિસરમાં ભીડ નિયંત્રિત કરવા માટે વહીવટી તંત્રએ ખાસ વ્યવસ્થા ઉભી કરી છે. જેમાં અલગ અલગ સ્થળોએથી પ્રવેશ માટેની વ્યવસ્થામાં પણ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે.
🚩 લહેરાતી ચુંદડીમાં મા અંબાનો ભવ્ય નજારો… 🙏🌺
— Ambaji temple official, Gujarat, India (@TempleAmbaji) September 16, 2026
હૈયામાં ભક્તિ, આંખોમાં મા અંબાના અદભુત દર્શન અને વાતાવરણમાં ગુંજતો જયકાર! ❤️✨
આ દિવ્ય અને અલૌકિક ક્ષણોના સાક્ષી બનવા અંબાજી પધારો અને ભાદરવી પૂનમ મહામેળાનો પવિત્ર લાભ લઈ ધન્ય બનો. 🙏🚩
🌺 મા અંબાના આશીર્વાદથી જીવન ભક્તિ અને… pic.twitter.com/tPb2v7cCWL
ટ્રાફિકના સંચાલન માટે પાર્કિંગ પ્લોટની ફાળવણી
તેમજ મેળા દરમિયાન ટ્રાફિકના સંચાલન માટે પાર્કિંગ પ્લોટની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત માઈભક્તોને મંદિર પરિસરમાં વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 5 મીટર થી નાની લંબાઈની ધજા સાથે જ અંબાજી આવવા અનુરોધ કરાયો છે.
માંડવી તેમના ઉતારા પર જ રાખવા ખાસ સૂચના
જ્યારે વહીવટીતંત્ર દ્વારા પદયાત્રીઓના માર્ગો પર આવતા વિવિધ સેવા કેમ્પોમાં પૂરતી સુવિધાઓ અને સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત પગપાળા સંઘો માતાજીના રથ અને માંડવીઓ લઈને પણ મંદિર સુધી પહોંચતા હોય છે ત્યારે હાલ ચાલી રહેલી કોરિડોરની કામગીરીના કારણે પદયાત્રીઓને સાથે લાવેલા રથ તથા માંડવી તેમના ઉતારા પર જ રાખવા ખાસ સૂચના આપવામાં આવી છે.
ડ્રોન શો અને ઝળહળતી રોશની આકર્ષણનું કેન્દ્ર
ઉલ્લેખનીય છે કે, અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા દરમિયાન આકાશમાં આધુનિક ડ્રોન શો અને ઝળહળતી રોશની આકર્ષણનું કેન્દ્ર બનશે. સમગ્ર અંબાજી ધામ અત્યારથી જ ભક્તિમય માહોલમાં રંગાયું છે. વહીવટી તંત્ર દ્વારા પદયાત્રીઓની સુવિધા, સુરક્ષા અને દર્શન માટેના આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.