અમદાવાદઃ અમદાવાદની એક સરકારી શાળાના પ્રિન્સિપાલ ઓફિસમાં શિક્ષિકા સાથે રંગરેલિયાં મનાવી રહ્યા હતા. આ સમયે પ્રિન્સિપાલની પત્નિએ હલ્લાબોલ કર્યું હતું. જે બાદ પ્રિન્સિપાલ કારમાં બેસીને જવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે ગ્રામજનોએ તેમને જવા દીધા નહોતા.
શું છે મામલો
મળતી વિગત પ્રમાણે, અમદાવાદના વિરમગામ તાલુકાના વાંસવા ગામની પે સેન્ટર પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલ અને શાળાની જ એક શિક્ષિકા વચ્ચેના કથિત પ્રેમસંબંધને લઈને ભારે હોબાળો મચ્યો હતો. પ્રિન્સિપાલની પત્નિ અને તેમના પરિવારે શાળા પરિસરમાં પહોંચી વિરોધ નોંધાવતાં વાતાવરણ તંગ બન્યું હતું. ઘટનાના પગલે રોષે ભરાયેલા ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી પ્રિન્સિપાલની તાત્કાલિક બદલી કરવાની ઉગ્ર માંગણી સાથે જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરી હતી.
શાળાના પ્રિન્સિપાલના પત્નિ તેમના પરિવારજનો સાથે અચાનક વાંસવા પે સેન્ટર શાળાએ પહોંચ્યા હતા. તેમણે પ્રિન્સિપાલની કેબિનમાં પ્રવેશી ત્યાં હાજર શિક્ષિકા વચ્ચેના સંબંધો અંગે ઉગ્ર સવાલો ઉઠાવ્યા હતા, જેના કારણે શાળામાં ભારે હોબાળો મચ્યો હતો. આ ઘટનાને જોતાં મોટી સંખ્યામાં ગ્રામજનો પણ શાળા પરિસરમાં એકઠા થઈ ગયા હતા. પરિસ્થિતિ વણસતાં પ્રિન્સિપાલ જ્યારે પોતાની કારમાં બેસીને નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે ગ્રામજનોએ તેમને ઘેરી લીધા હતા.
આ ઘટનાને પગલે વાંસવા ગ્રામ પંચાયતે કડક વલણ અપનાવ્યું હતું. પંચાયત દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને પાઠવેલા પત્રમાં પ્રિન્સિપાલની તુરંત બદલી કરવાની માંગ કરવામાં આવી હતી. ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી યોગ્ય પગલાં નહીં ભરાય ત્યાં સુધી શાળાને તાળાબંધી રાખવામાં આવશે. આ પત્રમાં પ્રિન્સિપાલ સામે અગાઉ પણ અન્ય શિક્ષિકાઓ સાથે અયોગ્ય વર્તન અને વાંધાજનક ભાષાપ્રયોગ કરવાના આક્ષેપો કરવામાં આવ્યા છે, જોકે આ તમામ બાબતોની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.