અમદાવાદઃ શહેરમાં સવારથી જ મેઘરાજાએ જમાવટ કરી છે. જોકે શહેરના પોશ વિસ્તાર બોપલમાં 4 ઇંચ વરસાદથી ફરી પાણી જ પાણી થઈ ગયું હતું. પાણીના કારણે વાહનો પણ ફસાઈ ગયા હતા. બોપલ વિસ્તારમાં આવેલા જાણીતા સ્ટર્લિંગ સિટીના સેક્ટર એ અને બીમાં માત્ર પોણો કલાક પડેલા વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી હતી. રોડ-રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા હતી અને પાણી લોકોના ઘરના ઓટલા સુધી પહોંચી ચૂક્યા છે. ગમે ત્યારે પાણી ઘરોની અંદર ઘૂસી જવાની દહેશતથી સ્થાનિક રહીશોમાં ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે.
ગયા મહિને પણ ભારે વરસાદ દરમિયાન આ બંને સેક્ટરોમાં પાણી ભરાયા હતા અને લોકોના ઘરોમાં નુકસાન થયું હતું. ત્યારબાદ તંત્ર દ્વારા થલતેજ વોર્ડમાં ડ્રેનેજ વ્યવસ્થા સુધારવા માટે બોડકદેવ વોર્ડ હેઠળ આવતા સ્ટર્લિંગ સિટી સેક્ટર એમાં ખોદકામ કરવામાં આવ્યું હતું. નવી ગટર લાઇન નાખી તેને મુખ્ય લાઇન સાથે જોડાઈ તો ખરી, પરંતુ આ ખોદકામ અને કામગીરી દરમિયાન વરસાદી પાણીના નિકાલની જૂની લાઈનો પૂરી દેવામાં આવી અથવા બંધ કરી દેવાઈ હતી.
જ્યારે આ કામ ચાલી રહ્યું હતું ત્યારે સ્થાનિક રહીશોએ કોન્ટ્રાક્ટરના માણસોને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો વરસાદી ગટરો બંધ થઈ જશે તો રોડ પરનું પાણી ક્યાંથી નીકળશે? તેમ છતાં જવાબદારોએ આ ચેતવણીની સદંતર અવગણના કરી હતી. પરિણામે, પાણીના નિકાલનો કુદરતી માર્ગ સંપૂર્ણ બંધ થઈ ગયો અને આજે સામાન્ય વરસાદમાં પણ આખું સેક્ટર પાણીમાં ગરકાવ થઈ ગયું છે.
વોર્ડની હદ વિવાદમાં રહીશો પીસાયા
સ્ટર્લિંગ સિટી સેક્ટર એ અને બી વચ્ચેથી પસાર થતો મુખ્ય રસ્તો થલતેજ અને બોડકદેવ વોર્ડની સીમા નક્કી કરે છે. આ ભૌગોલિક સ્થિતિનો ગેરલાભ ઉઠાવીને બંને વોર્ડના અધિકારીઓ અને કર્મચારીઓ એકબીજા પર દોષનો ટોપલો ઢોળીને પોતાની જવાબદારીમાંથી છટકી જાય છે. 'આ કામ અમારા વોર્ડનું નથી' તેવી માનસિકતાને કારણે કામગીરી અટવાઈ પડી છે.
ગઈકાલે જ્યારે સામાન્ય વરસાદમાં પાણી ભરાયા ત્યારે સ્થાનિકોએ ગટરનું ઢાંકણું ખોલવા રજૂઆત કરી હતી. પરંતુ તંત્રના માણસોએ માત્ર ઢાંકણું સહેજ ઊંચું કરી લીપાપોતી કરીને સંતોષ માની લીધો હતો, જેનાથી કોઈ કાયમી રાહત થઈ નહીં.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના કંટ્રોલ રૂમના સત્તાવાર આંકડા અનુસાર, આજે સવારે 6:00 થી બપોરે 12:00 વાગ્યા સુધીના માત્ર 6 કલાકમાં શહેરમાં સરેરાશ 44.99 મિમી (લગભગ 1.77 ઇંચ) વરસાદ નોંધાયો છે. આ સાથે જ ચાલુ સિઝનનો કુલ સરેરાશ વરસાદ 740.82 મિમી (29.17 ઇંચ) પર પહોંચ્યો છે, જે સિઝનના સરેરાશ વરસાદના 81.03 ટકા જેટલો થાય છે.
સવારના સમયગાળા દરમિયાન ખાસ કરીને દક્ષિણ ઝોનમાં સૌથી વધુ મેઘમહેર જોવા મળી હતી. દક્ષિણ ઝોનમાં 6 કલાકમાં સરેરાશ 94.63 મિમી (પોણા ચાર ઇંચ જેટલો) વરસાદ ખાબક્યો છે. જેમાં વટવા: 111.00 મિમી (4.37 ઇંચ), લાંભા: 107.00 મિમી (4.21 ઇંચ), ઇન્દ્રપુરી: 84.00 મિમી (3.30 ઇંચ) મણિનગર: 76.50 મિમી (3.01 ઇંચ) વરસાદ પડ્યો હતો.
દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં પણ સરેરાશ 58.57 મિમી વરસાદ પડ્યો છે, જેમાં સરખેજમાં 83.50 મિમી, જોધપુરમાં 81.50 મિમી અને બોપલમાં 87.50 મિમી વરસાદ નોંધાયો હતો. પૂર્વ ઝોનના રામોલમાં 85.50 મિમી અને વસ્ત્રાલમાં 67.50 મિમી સાથે ઝોનનો સરેરાશ વરસાદ 43.94 મિમી પડ્યો હતો.પશ્ચિમ ઝોન: વાસણામાં 74.00 મિમી અને ટાગોર કંટ્રોલ ખાતે 65.50 મિમી વરસાદ ખાબક્યો હતો.ઉત્તર-પશ્ચિમ ઝોન: બોડકદેવમાં 61.00 મિમી વરસાદ નોંધાયો હતો. મધ્ય ઝોન: દૂધેશ્વરમાં 77.50 મિમી અને કાલુપુરમાં 48.50 મિમી વરસાદ નોંધાયો હતો.
કંટ્રોલ રૂમના ડેટા પ્રમાણે સવારે 10:00 થી 11:00 વાગ્યાના એક જ કલાકમાં શહેરમાં સૌથી વધુ તીવ્રતા સાથે સરેરાશ 19.13 મિમી અને ત્યાર બાદ 11:00 થી 12:00 દરમિયાન 13.09 મિમી વરસાદ નોંધાયો હતો. ઉપરવાસ અને શહેરમાં સતત વરસી રહેલા વરસાદને પગલે સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજનું જળસ્તર 128.25 ફૂટ (39.101 મીટર) નોંધાયું છે. પાણીના નિકાલ માટે બેરેજના કુલ 7 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે, જેમાં ગેટ નંબર 25, 26 અને 27 ત્રણ ફૂટ તેમજ ગેટ નંબર 21, 22, 23 અને 24 બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.