Thu Oct 08 2026

Logo

લગ્નની ઓનલાઈન કંકોત્રી ડાઉનલોડ કરતા સાવધાની રાખજો, વૃદ્ધે 15.45 લાખ ગુમાવ્યા

2026-09-19 17:56:55
Author: Pooja Shah
લગ્નની ઓનલાઈન કંકોત્રી ડાઉનલોડ કરતા સાવધાની રાખજો, વૃદ્ધે 15.45 લાખ ગુમાવ્યા

Gemini Generated Image


અમદાવાદઃ દેશમાં સાયબર ગઠિયાઓ હવે લોકોને છેતરવા માટે નવા નવા કીમિયા અજમાવી રહ્યા છે. અત્યાર સુધી આરટીઓ ચલણ, લાઈટ બિલ સહિતની વિવિધ એપીકે ફાઈલ મોકલીને સાયબર ઠગાઈ કરવામાં આવતી હતી, ત્યારે હવે ફરી લગ્નની ઓનલાઈન કંકોત્રીના નામે એપીકે ફાઈલ મોકલીને છેતરપિંડીનો કિસ્સો બહાર આવ્યો છે. 

મણિનગરમાં રહેતા 64 વર્ષીય વૃદ્ધ નિવૃત્ત છે. પહેલા તેઓ જ્યાં નોકરી કરતા હતા ત્યાંના એક પરિચિત વ્યક્તિના મોબાઈલ નંબર પરથી તેમના વોટ્સએપ પર વેડિંગ ઈન્વિટેશન કાર્ડના નામે એપીકે ફાઈલ આવી હતી. પરિચિતના નંબર પરથી મેસેજ આવ્યો હોવાથી વૃદ્ધને શંકા ગઈ નહોતી. તેમણે એપીકે ફાઈલ ડાઉનલોડ કરીને તેના પર ક્લિક કર્યું હતું. જોકે, ફાઈલ ખોલ્યા બાદ તેમણે તરત જ તે બંધ કરી દીધી હતી.

ફાઈલ ડાઉનલોડ કર્યાના આશરે એક મહિના બાદ વૃદ્ધના મોબાઈલ ફોનમાં એક પછી એક અનેક ઓટીપી આવવા લાગ્યા હતા. તે સમયે વૃદ્ધ ધ્રાંગધ્રા ગયા હોવાથી તેમણે પત્નીને બેંકમાં મોકલી ખાતાની પાસબૂક પ્રિન્ટ કરાવવા કહ્યું હતું. જોકે, બેંકમાં હડતાળ હોવાથી બે દિવસ સુધી પાસબૂક પ્રિન્ટ થઈ શકી નહોતી. બે દિવસ બાદ પાસબૂક પ્રિન્ટ કરાવતાં વૃદ્ધના ખાતામાંથી અલગ અલગ 26 ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું હતું. યુપીઆઈ મારફતે કુલ રૂ. 15.45 લાખ તેમના ખાતામાંથી ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા. આ જોઈ પરિવારજનો ચોંકી ગયા હતા.

વૃદ્ધે કંકોત્રીની  ફાઈલ મોકલનાર પરિચિત વ્યક્તિનો સંપર્ક કરતાં તેનો ફોન પણ હેક થયો હોવાનું જાણવા મળ્યું હતું. ગીર-સોમનાથના યુઝરને પણ આ રીતે મિત્રના દીકરાના લગ્નની ફાઈલ આવી હતી, પરંતુ નજીકના લોકો પણ વૉટ્સ એપ પર લગ્નનું આમંત્રણ આપે તે ન ગમતું હોવાથી તેમણે ફાઈલ ખોલી ન હતી. થોડી મિનિટો બાદ વૉટ્સ એપ ગ્રુપમાંથી માહિતી મળી હતી કે મિત્રનો ફોન હેક થયો છે અને આવો કોઈ લગ્નપ્રસંગ ઘરમાં નથી.