Mon Oct 05 2026

Logo

અમદાવાદમાં યોજાશે ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ, રીવરફ્રન્ટ પર શબ્દો, સંસ્કૃતિ અને સાહિત્યનો ત્રિવેણીસંગમ

2026-09-20 15:49:25
Author: Mumbai Samachar Team
અમદાવાદમાં યોજાશે ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ, રીવરફ્રન્ટ પર શબ્દો, સંસ્કૃતિ અને સાહિત્યનો ત્રિવેણીસંગમ

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી 24 ઓક્ટોબરથી 1 નવેમ્બર, 2026 દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાનાર અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ (AIBF)-2026ના સફળ આયોજન માટે દાણાપીઠ ખાતે  અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર જગદીશ જોશી તેમજ  વિવિધ યુનિવર્સિટીનાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, પ્રિન્સિપાલશ્રીઓ, શિક્ષણવિદો તથા સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

તમામ યુનિવર્સિટીઓને ભાગ લેવા અપીલ

આ બેઠક દરમિયાન અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2026માં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને યુવાનોની વધુમાં વધુ ભાગીદારી સુનિશ્ચિત થાય તે માટે વિવિધ સૂચનો અને આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ યુનિવર્સિટી અને કોલેજ પ્રતિનિધિઓને વિદ્યાર્થીઓને પુસ્તક મેળા સાથે જોડવા માટે વિશેષ પ્રયાસો કરવા અપીલ કરી હતી. આ બેઠક દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ચલાવવામાં આવતા વિવિધ જનહિતલક્ષી અભિયાનો, સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ, આરોગ્ય જાગૃતિ તથા નાગરિક સેવાઓ સંબંધિત પહેલોની માહિતી પણ રજૂ કરવામાં આવી હતી. આ અભિયાનો અંગે યુવાનો અને નાગરિકોમાં વધુ જાગૃતિ ફેલાય તેમજ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા તેમાં સક્રિય સહભાગીતા નોંધાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

અનેક સૂચનો પર થશે મનોમંથન

આ પ્રસંગે ઉપસ્થિત પ્રતિનિધિઓએ અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2026ને વધુ વ્યાપક અને સફળ બનાવવા માટે પોતાના સૂચનો રજૂ કર્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ સંસ્થાઓના સહયોગથી આ વર્ષે પણ પુસ્તકપ્રેમીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકો માટે વધુ સમૃદ્ધ અને યાદગાર પુસ્તક મહોત્સવનું આયોજન કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. ખાસ કરીને બુક ફેસ્ટિવલની સાથે યોજાના અન્ય કેટલાક કાર્યક્રમોને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. આ પહેલા રીવરફ્રન્ટ ખાતે બુક ફેસ્ટિવલની સાથે ગુજરાતી ગીતનો જલસો રૂપી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક કલાકારોને પણ પોતાની કલા પીરસવાનો ચાન્સ મળ્યો હતો. આ વખતે પણ રીવરફ્રન્ટ ખાતે સમગ્ર બુક ફેસ્ટિવલ યોજાશે. આ વખતે ખાસ પાર્કિંગથી લઈને પીવાના પાણી સુધીની તમામ પ્રાથમિક સુવિધાઓનું ધ્યાન રાખવામાં આવશે.