અમદાવાદઃ ગુજરાતમાં વીજપોલ મુદ્દે ખેડૂતોનું ઘણા સમયથી આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂતોની માગણીઓનો કોઈ ઉકેલ આવ્યો નથી. આ દરમિયાન અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરોડા ગામમાં સરકારી કાર્યક્રમ દરમિયાન ખેડૂતોના ભારે વિરોધ અને હલ્લાબોલને કારણે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. લાંબા સમયથી જમીન અને સનદ સહિતના પડતર પ્રશ્નો સામે ઝઝૂમી રહેલા સ્થાનિક ખેડૂતોએ રાજ્યના વન પ્રધાન અર્જુન મોઢવાડિયા તેમજ સ્થાનિક ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના કાફલાને રોકી ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. એક કલાકથી વધુ સમય ચાલેલા ઘેરાવ બાદ આખરે પોલીસે બળપ્રયોગ કરીને કાફલાને સુરક્ષિત બહાર કાઢવો પડ્યો હતો.
મળતી વિગત પ્રમાણે, વન પ્રધાન અર્જુન મોઢવાડિયા અને ધારાસભ્ય કિરીટસિંહ ડાભીની યાત્રા જ્યારે સરોડા ગામે આવી પહોંચી, ત્યારે ગામના ખેડૂતો પોતાના ન્યાયિક પ્રશ્નો મુદ્દે આવેદનપત્ર આપવા એકઠા થયા હતા. જોકે, કાયદો અને વ્યવસ્થા જાળવવાના નામે પોલીસે ખેડૂતોને પ્રધાન સુધી પહોંચતા અટકાવ્યા હતા. ખેડૂતો પોતાની રજૂઆત સીધી પ્રધાન સમક્ષ કરવા મક્કમ હતા, પરંતુ પોલીસના કડક વલણથી મામલો વધુ ગરમાયો હતો. રોષે ભરાયેલા ખેડૂતો સભાસ્થળની બહાર રસ્તા પર જ બેસી ગયા હતા અને મંત્રી તેમજ ધારાસભ્યની કારનો ઘેરાવ કરી હલ્લાબોલ શરૂ કરી દીધો હતો.
વિરોધ એટલો પ્રચંડ હતો કે પ્રધાનનો કાફલો લગભગ એક કલાક સુધી સ્થળ પર જ ફસાયેલો રહ્યો હતો. ખેડૂતો ન્યાય માટે સતત સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. આખરે પરિસ્થિતિ કાબૂ બહાર જતી જોઈને ભારે પોલીસ કાફલાએ સ્થિતિ સંભાળી હતી. પોલીસે ખેડૂતો પર બળપ્રયોગ કરી તેમને રસ્તાની બાજુએ ખસેડ્યા હતા અને રસ્તો ક્લિયર કરાવી પ્રધાન અને ધારાસભ્યના કાફલાને સુરક્ષિત રીતે આગળ રવાના કર્યો હતો.
વિરોધ કરનારા ખેડૂતોએ જણાવ્યું હતું કે, તેઓ કોઈ અશક્ય માંગણી નથી કરી રહ્યા, પરંતુ વર્ષોથી મળવાપાત્ર પોતાના કાયદેસરના હક માટે લડી રહ્યા છે. જો તંત્ર દ્વારા આ પડતર પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં સમગ્ર પંથકમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી હતી.
ખેડૂતોની મુખ્ય માંગણીઓ કઈ છે
વિરોધ કરનારા ખેડૂતોની ત્રણ મુખ્ય માગણીઓ હતી. જે પૈકી 17 ખેડૂતોને તેમની ખેતીલાયક સારી જમીન તાત્કાલિક અસરથી પરત સોંપવામાં આવે. બીજી માગણી અસામાજિક તત્ત્વો દ્વારા જે ખેતીની જમીન પર ગેરકાયદે કબજો જમાવી લેવાયો છે તેને વહીવટીતંત્ર તાકીદે ખાલી કરાવવવામાં આવે તથા ત્રીજી માગ જમીન ટ્રાન્સફરની તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ચૂકી હોવા છતાં બાકી રહેલી સનદ ખેડૂતોને તાત્કાલિક આપવામાં આવે તેવી હતી.