Fri Apr 17 2026

Logo

અમદાવાદ રેલવે સ્ટેશન પર નકલી ટિકિટનું મસમોટું કૌભાંડ ઝડપાયું: અસલી જેવી જ દેખાતી ફોટોકોપી પકડાઈ

2026-03-25 12:49:00
Author: Mayurkumar Patel
Article Image

અમદાવાદઃ વેસ્ટર્ન રેલવેના અમદાવાદ વિભાગે રૂટિન ચેકિંગ ડ્રાઈવ દરમિયાન નકલી રેલવે ટિકિટના એક મોટા રેકેટને ઝડપી પાડ્યું હતું.  ટિકિટની ફોટોકોપીને અસલી ટિકિટ તરીકે વેચવામાં આવતી હતી. પ્રયાગરાજથી એક એક્સપ્રેસ ટ્રેન અમદાવાદ આવી પહોંચી અને ટિકિટ ચેકિંગ સ્ટાફને કેટલાક મુસાફરો પાસે શંકાસ્પદ ટિકિટો મળી આવ્યા બાદ તપાસ કરતાં સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું. 
બે મુસાફરો પાસે એક જ સિરિયલ નંબરવાળી ટિકિટ

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બે મુસાફરો પાસે એક જ સિરિયલ નંબરવાળી ટિકિટ હતી. QR કોડ સ્કેનિંગ અને ટેકનિકલ તપાસમાં આ ટિકિટો ડુપ્લિકેટ હોવાનું સામે આવ્યું હતું. ઓછામાં ઓછા 15 મુસાફરોએ આવી જ નકલી ટિકિટોનો ઉપયોગ કરીને મુસાફરી કરી હોવાનું સામે આવ્યું હતું. આ ઘટના બાદ રેલવે સત્તાધીશોએ એલર્ટ જાહેર કર્યું છે અને મલ્ટિ-ડિપાર્ટમેન્ટલ તપાસ શરૂ કરી છે.

અસલી ટિકિટો રિફંડ માટે પરત કરી દેવામાં આવતી હતી

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ રેકેટ પ્રયાગરાજમાં ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન (ATVM) ની સુવિધા સાથે જોડાયેલા વ્યક્તિઓ સાથે સંકળાયેલું છે. કથિત રીતે પહેલા અસલી ટિકિટો જનરેટ કરવામાં આવતી હતી, ત્યારબાદ હાઈ-એન્ડ સાધનો અને એડિટિંગ સોફ્ટવેરનો ઉપયોગ કરીને તેની અનેક નકલી નકલો બનાવવામાં આવતી હતી. બાદમાં અસલી ટિકિટો રિફંડ માટે પરત કરી દેવામાં આવતી હતી, જ્યારે તેની ફોટોકોપી મુસાફરોને પૂરી કિંમતે વેચવામાં આવતી હતી.

રેલવે સત્તાવાળાઓએ છેતરપિંડી અને મુસાફરોની સુરક્ષા જોખમમાં મૂકવા બદલ ગુના નોંધ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આવી છેતરપિંડી અટકાવવા માટે હવે ATVM કામગીરીનું મોનિટરિંગ કડક કરવામાં આવશે અને વિવિધ રેલવે વિભાગો વચ્ચે સંકલન મજબૂત કરવામાં આવશે.