એકતાનગરમાં રાષ્ટ્રપતિના હસ્તે 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોનું વિતરણ, 'મારણ' ને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનું સન્માન
એકતાનગર: એક મોટા સીમાચિહ્નરૂપ સમાન કહી શકાય તેવી ઘટના એટલે 72માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહનું આયોજન ગુજરાતના નર્મદા જિલ્લાના એકતા નગરમાં કરવામાં આવ્યું છે. જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચાલી રહેલા સમારોહમાં પુરસ્કારો એનાયત કર્યા હતા.
72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દરમિયાન, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કન્નડ સિનેમાના દિગ્ગજ કલાકાર અનંત નાગને 2024 માટે દાદાસાહેબ ફાળકે પુરસ્કાર એનાયત કર્યો હતો. દેશના સૌથી પ્રખ્યાત ફિલ્મ અભિનેતાઓમાંના એક, અનંત નાગે પાંચ દાયકાની નોંધપાત્ર કારકિર્દીમાં 300 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે અને કન્નડ અને ભારતીય સિનેમામાં ઘણું યોગદાન આપ્યું છે.
તે ઉપરાંત આ ફિલ્મ એવોર્ડ સમારોહમાં ગુજરાતી ફિલ્મ 'મારણ'ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો અવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે, જ્યારે, 'ચંદુ ચેમ્પિયન' માટે કાર્તિક આર્યન અને 'ભ્રમયુગમ' માટે મમૂટીને લીડિંગ રોલમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં સંજય મિશ્રાને ભક્ષક માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો. રણદીપ હુડ્ડાને સ્વતંત્ર વીર સાવરકર માટે દિગ્દર્શકની શ્રેષ્ઠ ડેબ્યુ ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો. આદિત્ય ધરને આર્ટિકલ 370 માટે શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો પુરસ્કાર જીત્યો.
મલયાલમ સુપરસ્ટાર મામૂટીને ફિલ્મ બ્રમયુગમમાં કોડુમોન પોટ્ટીના અભિનય માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો છે. ફિલ્મ નિર્માતા આનંદ એલ. રાયને "સ્ટેચ્યુ ઓફ યુનિટી - અ સિમ્બોલ ઓફ યુનિટી" માટે શ્રેષ્ઠ દિગ્દર્શનનો એવોર્ડ મળ્યો. શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી ફિલ્મનો એવોર્ડ ભારતબાલા ગણપતિ દ્વારા દિગ્દર્શિત "રામ-નામી" ને મળ્યો. આ વર્ષના સમારોહમાં કુલ 400 ફીચર ફિલ્મો, 161 નોન-ફીચર ફિલ્મો, 38 પુસ્તકો અને 24 વિવેચકોના સબમિશનમાંથી વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી.
