હુતીયોએ સાઉદી અરેબિયા પર ફરી એકવાર હુમલો કર્યો છે. હૂતિયોએ દાવો કર્યો છે કે તેમણે દક્ષિણ-પશ્ચિમ સાઉદી અરેબિયાના ખમીસ મુશૈતમાં ડઝનબંધ મિસાઇલો અને ડ્રોન છોડ્યા છે. આ દરમિયાન એક સૈન્ય એરબેઝને નિશાન બનાવવામાં આવ્યું છે. આ હુમલાઓમાં 13 નાગરિકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જોકે, બાદમાં સાઉદી સિવિલ ડિફેન્સે જણાવ્યું હતું કે હવે ખતરો ટળી ગયો છે.
સાઉદી સત્તાવાળાઓએ ખમીસ મુશૈત, આભા અને તાઈફ સહિત ઘણા દક્ષિણી શહેરોમાં ઇમરજન્સી એલર્ટ જાહેર કર્યું છે. જેમાં જેદ્દાહ, આભા અને જાઝાન સામેલ છે.
સાઉદી અરેબિયાના હુમલાઓ પર હૂતીઓનો વળતો પ્રહાર
તાજેતરમાં જ સાઉદી અરેબિયાએ યમનમાં એર સ્ટ્રાઈક કરી હતી. આ હુમલામાં વિમાન હેંગર, રડાર સિસ્ટમ, રનવે અને દારૂગોળાના ડેપોને નિશાન બનાવવામાં આવ્યા હતા. હવે હૂતીઓએ પોતાના તાજેતરના હુમલાઓને આ જ કાર્યવાહીનો વળતો જવાબ ગણાવ્યો છે.
તેલ સપ્લાય પર ઘેરાયું સંકટ
લાલ સમુદ્રના પ્રવેશદ્વાર પર સ્થિત પેરિમ ટાપુ પર કબજાની સાથે સાથે હૂતીઓની આ નવી આગેકૂચે સાઉદી અરેબિયાની તેલ નિકાસ પર દબાણ વધારી દીધું છે. આ અગાઉ થયેલા એક હવાઈ હુમલાના કારણે સાઉદી અરેબિયાની ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈન ઠપ થઈ ગઈ હતી.
સાઉદી અરેબિયાએ 1980ના દાયકામાં હોર્મુઝના વિકલ્પ તરીકે આ 1,200 કિલોમીટર લાંબી પાઇપલાઇન બનાવી હતી. તેલના વેપારીઓના જણાવ્યા અનુસાર, જો આ પાઇપલાઇન લાંબા સમય સુધી બંધ રહે છે, તો વૈશ્વિક તેલ પુરવઠામાં 4 ટકા સુધીનો કાપ આવી શકે છે. જેના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં 4 ટકાથી વધુનો ઉછાળો જોવા મળી શકે છે.
હુતીઓના ઠેકાણાઓ પર હુમલા તેજ
દરમિયાન સાઉદી અને યમનની વાયુસેનાએ મોચા પોર્ટની આસપાસ હુતીઓના ઠેકાણાઓ પર બોમ્બમારો તેજ કરી દીધો છે. આ બધા છતાં, હુતીઓએ લગભગ સમગ્ર પશ્ચિમી તટ પર પોતાનો કબજો જાળવી રાખ્યો છે.