Mon Oct 05 2026

Logo

મહિલા એશિયા કપમાં ગુરુવારે સેમિ ફાઇનલમાં ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ

DUBAI   2026-09-09 21:30:35
Author: Ajay Motiwala
મહિલા એશિયા કપમાં ગુરુવારે સેમિ ફાઇનલમાં ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ

દુબઈઃ હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતની મહિલા ક્રિકેટ ટીમ આ વખતના ટી-20 એશિયા કપમાં અપરાજિત રહીને સેમિ ફાઇનલમાં પહોંચી છે જેમાં ગુરુવારે (રાત્રે 8.00 વાગ્યાથી) એનો મુકાબલો બાંગ્લાદેશ (Bangladesh) સામે થશે. સામાન્ય રીતે ભારત-પાકિસ્તાન વચ્ચેની કોઈ પણ મૅચ ખૂબ રોમાંચક બનતી હોય છે અને આખી દુનિયાની નજર એના પર રહેતી હોય છે, પરંતુ હવે પાકિસ્તાનની કોઈ પણ ટીમ દમ વિનાની હોવાથી ભારત સામેના મુકાબલાની અસર ઘટી ગઈ છે, પરંતુ ગુરુવારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટક્કર સૌનું ધ્યાન ખેંચી શકે.

કારણ એ છે કે સાત વખત ચૅમ્પિયન બનનાર ભારત (India)ને નિગાર સુલતાના જૉટીના નેતૃત્વમાં બાંગ્લાદેશની ટીમ સારી એવી ટક્કર આપી શકે. બન્ને દેશ વચ્ચેના રાજકીય સંબંધો ઘણા મહિનાઓથી બગડ્યા છે અને સરહદ પર પણ તંગદિલી હોવાથી ગુરુવારની મૅચમાં બન્ને ટીમના ખેલાડીઓ વધુ ઝનૂનપૂર્વક રમતા જોવા મળી શકે.

રાજકીય તંગ વાતાવરણને લીધે ભારતના પુરુષ ક્રિકેટરોને બાંગ્લાદેશ-પ્રવાસ ઘણી વખત રદ કરાયો છે. ભારતની મહિલા ટીમ જબરદસ્ત ફૉર્મમાં છે અને ફરી ટાઇટલ જીતવા માટે ફેવરિટ છે. લીગ રાઉન્ડમાં તો ભારતે પાકિસ્તાનને માત્ર પંચાવન રનમાં આઉટ કરીને સાત વિકેટે મૅચ જીતી લીધી હતી.

બૅટિંગ અને બોલિંગ, બન્નેમાં ભારતીય ટીમમાં બહુ સારું ડેપ્થ છે, જ્યારે બાંગ્લાદેશની ટીમ યુએઇ સામે 34 રનથી જીત્યા બાદ હવે ભારત સામે રમવાની છે, પણ ભારતની જેમ મૅચમાં પ્રભુત્વ જમાવવાની એનામાં તાકાત નથી. જોકે 21 વર્ષની સ્પિનર રબેયા ખાન તેમ જ બીજી સ્પિનર નાહિદા અખ્તર અને પેસ બોલર મારુફા અખ્તરથી ભારતીય બૅટર્સે ખાસ સંભાળવું પડશે. ભારતનો ટૉપ-ઑર્ડર દમદાર છે એટલે બાંગ્લાદેશી બોલર્સ ખાસ કરીને ભારતના મિડલ-ઑર્ડરને નિશાન બનાવશે.