Tue Oct 06 2026

Logo

ગુજરાતમાં હાથિયો નક્ષત્રના કારણે ક્યારથી પડી શકે ધોધમાર વરસાદ ? શું છે અંબાલાલ પટેલની આગાહી?

2026-09-28 11:45:00
Author: Mayur Patel
ગુજરાતમાં હાથિયો નક્ષત્રના કારણે ક્યારથી પડી શકે ધોધમાર વરસાદ ? શું છે અંબાલાલ પટેલની આગાહી?

અમદાવાદઃ ગુજરાતમાંથી ચોમાસું વિદાય થઈ રહ્યું છે પરંતુ અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી હતી. અંબાલાલ પટેલે આગામી દિવસોમાં વરસાદ, તાપમાન અને નવરાત્રીના દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તે અંગે વિગતવાર આગાહી વ્યક્ત કરી હતી.

અંબાલાલ પટેલે કહ્યું, સૂર્ય હસ્ત નક્ષત્રમાં પ્રવેશતાં જ હવામાનમાં બદલાવ જોવા મળશે અને વાદળો ઘેરાશે. ખેડૂતોની બોલચાલની ભાષામાં હસ્ત નક્ષત્રને ‘હાથિયો’ કહેવામાં આવે છે. લોકવાયકા મુજબ જો હાથિયો ગાજે તો તે શુકનિયાળ માનવામાં આવે છે. તેના ગાજવાથી ઘઉંનો પાક સારો થાય છે, પાકમાંથી ઈયળો ભાગી જાય છે અને આગામી ચોમાસું પણ સારું રહેવાનો વરતારો ગણાય છે.

અંબાલાલ મુજબ 30 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજસ્થાન સરહદ નજીકના વિસ્તારો, પાટણ, સાબરકાંઠા તેમજ બનાસકાંઠાના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ઝાપટાં કે વરસાદ પડી શકે છે. ઉત્તર સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે.

આ ઉપરાંત તેમણે જણાવ્યું, 30 સપ્ટેમ્બર પછી રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા છે. ઓક્ટોબરની શરૂઆતમાં અને લગભગ 10 ઓક્ટોબરે સૂર્ય જ્યારે ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે ત્યારે ગરમીનો પારો ઊંચકાશે. મહત્તમ તાપમાન 37°C થી 38°C અને રાજ્યના કેટલાક ભાગોમાં તો 40°C સુધી પહોંચી જવાની શક્યતા રહેશે, જેના કારણે બપોરના સમયે ભારે ઉકળાટ અને ગરમીનો અનુભવ થશે.

નવરાત્રિમાં ખેલૈયાઓ માટે કેવું રહેશે હવામાન?
અંબાલાલ પટેલ મુજબ, બંગાળની ખાડીમાં હવામાનની હલચલ જોવા મળતાં નવરાત્રિની શરૂઆતના નોરતાઓમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. ૫ ઓક્ટોબરે પવન ફૂંકાશે અને 17 ઓક્ટોબર આસપાસ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. લગભગ પાંચમા નોરતાથી હવામાનમાં પલટો આવવાની સંભાવના છે. જો અલ-નીનોની કોઈ વિપરીત અસર ન થાય, તો છઠ્ઠા નોરતાથી લઈને દશેરા સુધીના સમયગાળામાં કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.

અંબાલાલે ઉમેર્યું કે, ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ થવાની શક્યતા છે, જે વરસાદ માટે સાનુકૂળ પરિબળ બની શકે છે. 10 ઓક્ટોબર પછી અરબ સાગરમાં પણ હલચલ તેજ થવાની અને સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે. તારીખ 4 થી 8 ઓક્ટોબર દરમિયાન એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાની શક્યતા છે, જેની અસર ગુજરાતના વાતાવરણ પર પણ જોવા મળી શકે છે.