ટેલિવિઝનના સૌથી મોટા રિયાલિટી શો 'બિગ બોસ'ના હોસ્ટ અને બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાનનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. શોના શૂટિંગ દરમિયાન સલમાન ખાન અચાનક સ્ટેજ પર જ અસહ્ય પીડાથી કણસતો અને ફસડાઈ પડતો જોવા મળ્યો હતો. ભાઈજાનના ચહેરા પર સ્પષ્ટપણે દર્દની રેખાઓ દેખાઈ રહી હતી અને તેણે તાત્કાલિક ડોક્ટરને બોલાવવા માટે વિનંતી કરી હતી.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં જ દેશ-વિદેશમાં વસતા તેના કરોડો ચાહકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને ફેન્સ તેના ઝડપી સ્વાસ્થ્ય લાભ માટે પ્રાર્થના કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળે છે કે બિગ બોસ 20ના વીક એન્ડ કા વારના શૂટિંગ દરમિયાન સલમાન ખાન પોતાની પાંસળી (રિબ્સ) પર હાથ પકડીને તીવ્ર દર્દ અનુભવી રહ્યો હતો. દર્દ એટલું વધારે હતું કે તે સરખી રીતે ઊભો પણ રહી શકતો નહોતો અને સ્ટેજ પર મૂકેલા સોફા પર ફસડાઈ પડ્યો હતો.
અત્યંત તકલીફની સ્થિતિમાં સલમાન ખાને પોતાની પ્રોડક્શન ટીમને સંબોધીને કહ્યું કે, "કોઈ ડોક્ટરને બોલાવો." સલમાનની આ હાલત જોઈને સેટ પર હાજર ક્રૂ મેમ્બર્સ અને ટીમ તાત્કાલિક તેની મદદ માટે દોડી આવ્યા હતા.
સામે આવી રહેલા રિપોર્ટ અનુસાર સલમાન ખાન પોતાની આગામી એક્શન ફિલ્મના શૂટિંગ દરમિયાન પાંસળીના ભાગે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ડોક્ટર્સે તેને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી હોવા છતાં, પોતાના પ્રોફેશનલ કમિટમેન્ટ્સ અને શૂટિંગ શિડ્યુલને પૂરું કરવા માટે તે કામ કરી રહ્યો હતો.
આ ઉપરાંત સલમાન ખાને પેપ્ઝને પણ આડે હાથ લીધા હતા તેની ઉંમર, વજન અને વાળને લઇને કરવામાં આવેલી ટિપ્પણી, ટ્રોલિંગને લઈને પણ આકરી પ્રતિક્રિયા આપી હતી. આ ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.
STANDING OVATION!#SalmanKhan took off his T-shirt, showed his body and challenged if you want to troll, go ahead and do it.
— Devil V!SHAL (@VishalRC007) September 19, 2026
He just shut the haters up again. He doesn’t care about trolling #BiggBoss20 pic.twitter.com/YGbVM8X9om
અત્રે ઉલ્લેખનીય છે આ અગાઉ પણ કેટલાક જાહેર કાર્યક્રમોમાં સલમાન ખાનને બેસતી અને ઊભી થતી વખતે પાંસળી પકડીને તકલીફમાં જોવામાં આવ્યો હતો. પરંતુ સ્ટેજ પર આ રીતે તેની તબિયત લથડતાં ફેન્સ સોશિયલ મીડિયા પર તેને શૂટિંગમાંથી બ્રેક લઈને સંપૂર્ણ આરામ કરવાની અપીલ કરી રહ્યા છે.