નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે ગુરુવારે પ્રથમ તબક્કાનું મતદાન છે. જોકે, આ પૂર્વે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ આ વખતે વિધાનસભા ચૂંટણીમાં વર્ષ 2021ની ચૂંટણીઓની તુલનામાં ગુનાહિત રેકોર્ડ ધરાવતા ઉમેદવારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જેમાં 2920 ઉમેદવારોમાંથી 23 ટકા ઉમેદવારો પર ફોજદારી કેસ છે. તેમજ 192 ઉમેદવાર પર મહિલા ઉત્પીડનના કેસ દાખલ છે.
294 મતવિસ્તારોમાંથી 129 રેડ એલર્ટ શ્રેણીમાં
એડીઆર મુજબ વર્તમાન પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં 294 મતવિસ્તારોમાંથી 129 (44 ટકા) રેડ એલર્ટ શ્રેણીમાં આવે છે. રેડ એલર્ટ મતવિસ્તાર એ છે જ્યાં ત્રણ કે તેથી વધુ ચૂંટણી લડનારા ઉમેદવારોએ પોતાની સામે ગુનાહિત કેસ જાહેર કર્યા છે. 2021 ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં, 78 એટલે 27 ટકા મતવિસ્તારોમાં ત્રણ કે તેથી વધુ ઉમેદવારો ગુનાહિત કેસ ધરાવતા હતા.
દરેક ચાર ઉમેદવારોમાંથી એક સામે ફોજદારી કેસ
આ વખતે ચૂંટણી લડી રહેલા 2,920 ઉમેદવારોમાંથી 683 (23 ટકા) ઉમેદવારોએ પોતાની સામે ફોજદારી કેસ જાહેર કર્યા છે. જ્યારે 589 (20 ટકા ) ઉમેદવારોએ ગંભીર ફોજદારી કેસ જાહેર કર્યા છે. આનો અર્થ એ થયો કે લગભગ દરેક ચાર ઉમેદવારોમાંથી એક સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. આ વખતે ચૂંટણી મેદાનમાં 192 ઉમેદવારો છે જેમણે મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ સંબંધિત ફોજદારી કેસ જાહેર કર્યા છે.
પશ્ચિમ બંગાળ ઇલેક્શન વોચ અનુસાર, 2026 ની વિધાનસભા ચૂંટણીમાં 385 (13 ટકા ) મહિલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. વર્ષ 2021 ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં, વિશ્લેષણ કરાયેલા 2,130 ઉમેદવારોમાંથી 240 (11 ટકા) મહિલાઓ હતી.
ભાજપના 102 અને ટીએમસીના 49 ઉમેદવારો વિરુદ્ધ ફોજદારી કેસ
જ્યારે એડીઆર રિપોર્ટ મુજબ મુખ્ય રાજકીય પક્ષોમાં ભાજપ ના 141 ઉમેદવારોમાંથી 102, તૃણમૂલ કોંગ્રેસના 142 ઉમેદવારોમાંથી 49 , ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) ના 100 ઉમેદવારોમાંથી 51 અને કોંગ્રેસના 142 ઉમેદવારોમાંથી 37 એ તેમના ચૂંટણી સોગંદનામામાં પોતાની સામે ફોજદારી કેસ જાહેર કર્યા છે.
46 ટકા ઉમેદવારોનો અભ્યાસ ધોરણ 5 અને 12 વચ્ચે
આ ઉપરાંત પશ્ચિમ બંગાળની ચૂંટણી લડી રહેલા દરેક બે ઉમેદવારોમાંથી લગભગ એક ઉમેદવારે શાળા સ્તરથી આગળનું શિક્ષણ મેળવ્યું નથી. 2,926 ઉમેદવારોમાંથી, 1,354 ઉમેદવારોએ તેમની શૈક્ષણિક લાયકાત 5મા અને 12મા ધોરણ વચ્ચેની હોવાનું જાહેર કર્યું છે.