Mon Oct 05 2026

Logo

વિજ્ઞાનનાં વિસ્મય: Zebra + Horse = ZORSE: વર્ણસંકર પ્રાણી

2026-09-27 09:52:00
Author: Shubhang Brahmbhatt
વિજ્ઞાનનાં વિસ્મય: Zebra + Horse = ZORSE: વર્ણસંકર પ્રાણી

 

 

શુભાંગ બ્રહ્મભટ્ટ

 

પ્રયોગશીલ સ્વભાવનો માણસ ફળ, શાકભાજી અને ધાન્યમાં અખતરા કરતો રહ્યો છે. 1970ના દાયકામાં ચીનમાં હાઈબ્રિડ - સંક્રમણ પદ્ધતિનો પ્રારંભ થયો. વર્ણસંકર પહેલું ગાજેલું ઉદાહરણ Pomato (Potato+ Tomato)નું છે જે 1978માં તૈયાર થયું હતું. ગ્રાફ્ટિંગ (કલમ બનાવવાની પદ્ધતિ)થી કરવામાં આવેલા આ અખતરાની વિશેષતા એ હતી કે એમાં ટામેટા જમીનની ઉપર અને બટાટા જમીનની અંદર તૈયાર થતા હતા. જોકે, આ પ્રયાસ વ્યવસાયિક દૃષ્ટિકોણથી નિષ્ફળ થયો હતો.

આમ જુઓ તો પુરાણો અને હિન્દુ પૌરાણિક કથાઓમાં હાયબ્રિડ પ્રાણીઓ (મનુષ્ય અને પ્રાણી અથવા બે અલગ-અલગ પ્રાણીઓનું મિશ્રણ હોય તેવા જીવ) નો ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને રસપ્રદ ઇતિહાસ છે. એ બધા જીવ સામાન્ય રીતે દેવી-દેવતાઓના વાહન, રક્ષક અથવા વિશિષ્ટ અવતાર તરીકે દર્શાવવામાં આવ્યા છે. નરસિંહ અવતાર કે હયવદન વગેરે આપણી કલ્પનાનું ચિત્રણ છે. જાણવાની વાત એ છે કે કેટલીક સંક્રમણ જાતિઓ આજની તારીખમાં અસ્તિત્વ ધરાવે છે. `સોમેટિક હાઇબ્રિડાઇઝેશન' તરીકે ઓળખાતી પદ્ધતિથી તૈયાર થયેલી હાયબ્રિડ વરાયટીથી વાકેફ થઈએ.

Zorse: આ પ્રાણી ઝેબ્રા અને ઘોડાના અથવા ઝેબ્રા અને ગધેડાના સંક્રમણથી તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રાણી Zonkey તરીકે પણ ઓળખાય છે. 19મી સદીમાં પહેલી વાર જોવા મળ્યું હતું. આજની તારીખમાં આ પ્રાણી ભાગ્યે જ જોવા મળે છે કારણકે પ્રજોત્પતિની ક્ષમતા તેનામાં નથી.

Liger: કયા બે પ્રાણીઓના સંક્રમણથી આ પ્રાણી તૈયાર થયું છે એનો ખ્યાલ નામ પરથી જ આવી જાય છે. નર સિંહ (Male Lion) અને માદા વાઘ (Female Tiger)ને ક્રોસબ્રિડ કરીને આ પ્રાણી તૈયાર થયું છે. એના શરીર પરના ચટાપટા શ્વેત રંગના હોવાથી શરીર પર અન્ય ચટાપટા નથી જોવા મળતા. આશરે 400 કિલો વજન ધરાવતું આ પ્રાણી માત્ર બંદીવાન અવસ્થામાં જ જોવા મળે છે.

Tigon: અહીં પણ સિંહ - વાઘનું સંક્રમણ છે, પણ જાતિ બદલાઈ ગઈ છે. આ પ્રાણી માદા સિંહ (Female Lion) અને નર વાઘ (Male Tiger)ની નીપજ છે. પ્રજોત્પતિ નહીં કરી શકતું આ પ્રાણી પણ બંદિવાસમાં જ જોવા મળે છે. જોકે, આશ્ચર્યકારક રીતે 1943માં એક માદા ટાઈગર જર્મનીના એક પ્રાણીસંગ્રહાલયમાં નર સિંહ સાથે સફળતાપૂર્વક સંવનન કરીને બે બચ્ચાને જન્મ આપવામાં સફળ રહી હતી.

Wholphin: સંક્રમણ પ્રાણીઓના નામકરણની ખાસિયત એ છે કે નામ પરથી જ અંદાજ ન આવી જાય. આ પ્રાણી નર વ્હેલ અને માદા ડોલ્ફિનના ક્રોસબ્રિડથી તૈયાર થયું છે. જોકે, એ પ્રજોત્પતિ કરી શકે છે અને મુક્ત અવસ્થામાં જોવા મળે છે..

લાઈટ યર - પ્રકાશ વર્ષ એટલે શું?

તમને સ્પેસ સાયન્સમાં રસ હશે અને જો આજકાલ `ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન' (ઈસરો) સંબંધિત ગતિવિધિઓમાં રસ ધરાવતા હશો તો Light Year (પ્રકાશ વર્ષ) શબ્દો તમારા ધ્યાનમાં આવ્યા હશે. નામમાં ભલે વર્ષ શબ્દ હોય, એ અંતર માપવાનો એક એકમ છે. બ્રહ્માંડમાં રહેલા તારાઓ અને ગેલેક્સીઓ વચ્ચેનું અંતર એટલું વિશાળ હોય છે કે કિલોમીટર કે માઇલમાં માપવું ખૂબ મુશ્કેલ છે. એના ઉપાય તરીકે ખગોળશાસ્ત્રીઓ આ અંતર માપવા પ્રકાશ વર્ષનો ઉપયોગ કરે છે. ટૂંકમાં પ્રકાશે શૂન્યાવકાશમાં (કશા અવરોધ વિના) એક વર્ષમાં કાપેલા કુલ અંતરને એક પ્રકાશ વર્ષ કહેવામાં આવે છે. સૂર્ય પૃથ્વીથી 8.3 લાઈટ મિનિટ (0.0000158 પ્રકાશ વર્ષ) દૂર છે.

પ્રકાશની ઝડપ અદ્ભુત છે. એક સેક્નડમાં આશરે ત્રણ લાખ કિલોમીટર (એક લાખ 86 હજાર માઈલ)ની ઝડપે ગતિ કરે છે. આ ઝડપે મુસાફરી કરીને પ્રકાશ એક આખા વર્ષમાં જે અંતર કાપે એ પ્રકાશ વર્ષ કહેવાય છે. 

એક ઉદાહરણથી સમજીએ. માની લ્યો કે તમે અવકાશમાં એક એવા સ્થળ પર છો જે પૃથ્વીથી 79 પ્રકાશ વર્ષ દૂર છે. તો ભારતને 15 ઓગસ્ટ, 1947ના દિવસે સ્વતંત્રતા મળી એ તમને 15 ઓગસ્ટ, 2026ના દિવસે દેખાશે. મતલબ કે 1947માં નીકળેલું પ્રકાશનું કિરણ 2026માં ત્યાં પહોંચી શક્યું. આને તમે કિલોમીટરમાં ગણો તો ચક્કર આવી જાય એટલા શૂન્ય આંકડા પછી આવે. સરખામણીમાં 79 પ્રકાશ વર્ષ કેટલું આસાન લાગે છે ને.

`પાપી' પ્લાસ્ટિકનું પુણ્યાઈમાં પરિવર્તન

માણસે પ્લાસ્ટિકની શોધ કેમ કરી? પ્રકૃતિમાં મર્યાદિત માત્રામાં મળતા હાથીદાંત જેવા કિમતી કુદરતી સંસાધનોના વિકલ્પ તરીકે પ્લાસ્ટિકની શોધ કરવામાં આવી હતી. ટકાઉ, સસ્તું અને સરળતાથી કોઈ પણ આકારમાં ઢાળી શકાય તેવું મટીરિયલ બનાવવાનો આ શોધનો આશય હતો. જોકે, આજે એ જ સગવડ મનુષ્ય માટે અગવડ બની ગઈ છે. પ્લાસ્ટિકને `પાપી' (સમસ્યા) માનવામાં આવે છે. કેમ? કારણ કે એ અવિનાશી પ્રદૂષણ છે. જમીન, નદીઓ અને સમુદ્રોને પ્રદૂષિત કરે છે. મૂંગા પશુઓના મૃત્યુ માટે જવાબદાર છે અને ટનબંધ પ્લાસ્ટિક દરિયામાં જવાથી માછલીઓ અને અન્ય જળચર જીવોનું જીવન જોખમાય છે. પ્લાસ્ટિકને બાળવાથી નીકળતો ધુમાડો આરોગ્ય અને પર્યાવરણ માટે નુકસાનકર્તા છે. 

પ્લાસ્ટિકનો નાશ કરવો મુશ્કેલ છે, પરંતુ તેનું રૂપાંતર કરી પુણ્યના કામમાં વાપરી શકાય છે. યુરોપિયન દેશ નેધરલેન્ડ્સમાં એ દિશામાં કોશિશ થઈ રહી છે. ડચ સર્ક્યુલર કેમિસ્ટ્રી ટેક્નોલોજી ડેવલપર દ્વારા તૈયાર થઈ રહેલો આ પ્લાન્ટ સંશોધન પર આધારિત ઇન્ટિગ્રેટેડ કેટાલિટિક ક્રેકિગ પ્રોસેસ ટેક્નોલોજીનો ઉપયોગ કરશે. આ પ્રક્રિયા મિશ્ર પ્લાસ્ટિક કચરાને BTX તરીકે જાણીતા બેન્ઝિન, ટોલ્યુઇન અને ઝાયલિન જેવા ઉચ્ચ ગુણવત્તાવાળા એરોમેટિક રસાયણોમાં રૂપાંતરિત કરે છે. આ બીટીએક્સ પેટ્રોકેમિકલ ઈન્ડસ્ટ્રીમાં ખાસ્સા ઉપયોગી સાબિત થાય છે. પાપને પુણ્યાઈમાં ફેરવવાના આ પ્રયાસને કેવી સફળતા મળે છે એ તો આવનારો સમય જ કહેશે. 

સૌથી ઢૂંકડું એટલે કેટલું દૂર?

મામાનું ઘર કેટલે? દીવો બળે એટલે કહેવત તમે સાંભળી હશે. દીવાનો પ્રકાશ બહુ દૂર સુધી નથી જતો એમ મામાનું ઘરનું ભૌગોલિક અંતર ભલે ગમે એટલું હોય, પણ ભાવનિક અંતર દીવાના પ્રકાશ જેટલું હોય એની વાત છે. આપણી સૂર્યમાળા બહાર જાણમાં હોય એવો સૌથી નજીક ગ્રહ કેટલો દૂર છે? Proxima Centauri તરીકે ઓળખાતો આ ગ્રહ 4 પ્રકાશ વર્ષ (24 ટ્રિલિયન માઈલ્સ - 24 ના આંક સાથે 12 મીંડાં) દૂર છે. કોઈ એરલાઈનના વિમાનમાં બેસી તમે ત્યાં આજે જવા નીકળો તો ત્યાં પહોંચતા 50 લાખ વર્ષ લાગે. 

ઓ મા... માતાજી!

 

વધુ જુઓ...