વોશિંગ્ટન: અમેરિકામાં વર્ષ 2026ની મિડ-ટર્મ ચૂંટણી માટે શુક્રવારે વર્જિનિયામાં મતદાન શરૂ થયું છે. જેમાં ઇડાહો, મિનેસોટા અને સાઉથ ડાકોટા જેવા કેટલાક રાજ્યોમાં લોકો 'એબ્સેન્ટી બેલેટ' દ્વારા મતદાન કરવા માટે ચૂંટણી કચેરીઓ અથવા મતદાન કેન્દ્રોની મુલાકાત પણ લઈ શકે છે. તેમજ આગામી અઠવાડિયે અન્ય રાજ્યોમાં પણ મોટા પાયે મતદાન શરૂ થશે.જોકે, મિડ ટર્મ ચૂંટણી બાદ પરિણામ નવેમ્બર માસમાં આવશે એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પનું ભવિષ્ય અંગે નિર્ણય થશે.
રાજ્યોમાં ગવર્નર અને રાજ્ય વિધાનસભાઓ માટે પણ મતદાન
તેમજ 3 નવેમ્બરે યોજાનારી ચૂંટણીઓમાં માત્ર યુએસ કોંગ્રેસની બેઠકો માટે જ નહીં પરંતુ અનેક રાજ્યોમાં ગવર્નર પદ અને રાજ્યની વિધાનસભાઓ માટે પણ મતદાન થશે. જેમાં મુખ્ય ફોકસ 'હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ' અને 'સેનેટ' પર રહેશે. આ ચૂંટણી નક્કી કરશે કે રિપબ્લિકન પક્ષ કોંગ્રેસના બંને ગૃહોમાં પોતાની બહુમતી જાળવી રાખશે કે કેમ.
જો મિડ ટર્મ ચૂંટણીમાં ડેમોક્રેટ્સ કોંગ્રેસમાં બહુમતી મેળવે છે તો ટ્રમ્પના કાર્યકાળના છેલ્લા બે વર્ષની રાજનીતિ પર અસર કરશે. કોંગ્રેસમાં તપાસ અને સરકારી કામગીરીની દેખરેખ સંબંધિત પ્રવૃત્તિઓ તીવ્ર બની શકે છે.
(AP Photo/Evan Vucci)
ઈરાન અને મોંધવારી મુખ્ય મુદ્દાઓ
આ ચૂંટણીમાં અમેરિકન મતદારોને ઘણા મુખ્ય મુદ્દાઓનો સામનો કરવો પડશે. ગેસ અને કરિયાણાના વધતા ભાવ ચિંતાનો વિષય છે. તેમજ ઈરાન સાથે સંકળાયેલા લાંબા સંઘર્ષ, એઆઈ સાથે સંકળાયેલા જોખમો અને ટ્રમ્પની કડક ઇમિગ્રેશન નીતિઓ ચૂંટણીમાં મુખ્ય મુદ્દાઓ રહેશે.
કોંગ્રેસની ડિસ્ટ્રિક્ટની સીમાઓમાં પણ ફેરફાર
જોકે, ચૂંટણી પૂર્વે કોંગ્રેસની ડિસ્ટ્રિક્ટની સીમાઓમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. ઘણા રાજ્યોમાં કોંગ્રેશનલ મતવિસ્તારોના નવા નકશા તૈયાર કરવામાં આવ્યા છે. એક અહેવાલ મુજબ આ ફેરફારની અસર નોંધપાત્ર છે.હાલમાં લગભગ દર દસમાંથી એક અમેરિકન નાગરિક એવા કોંગ્રેશનલ મતવિસ્તારમાં રહે છે જે વર્ષ 2024 દરમિયાન તેઓ જે વિસ્તારમાં હતા તેના કરતા અલગ છે.
બિન-નાગરિકો દ્વારા મતદાન કરવાનો મુદ્દો પણ વારંવાર ઉઠાવ્યો
આ ચૂંટણી પૂર્વે ચૂંટણી પ્રક્રિયામાં દખલગીરી કરવાના ટ્રમ્પ વહીવટીતંત્રના પ્રયાસો અંગે પણ ચર્ચા થઈ રહી છે. ટ્રમ્પે લાંબા સમયથી મતદાનની અમુક પદ્ધતિઓ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે બિન-નાગરિકો દ્વારા મતદાન કરવાનો મુદ્દો પણ વારંવાર ઉઠાવ્યો છે.
Illustration by Carl Godfrey
ચૂંટણીનો માહોલ જામ્યો
અમેરિકામાં વહેલા મતદાનની શરૂઆત સાથે ચૂંટણીનો માહોલ જામ્યો છે. આગામી લગભગ છ અઠવાડિયા દરમિયાન થનારું મતદાન કોંગ્રેસની રાજકીય દિશા તેમજ ટ્રમ્પના કાર્યકાળના બાકીના બે વર્ષો માટેની દિશા નક્કી કરશે.