પટાયા: સતત નવ મહિના સુધી દરિયામાં તૈનાત રહ્યા બાદ રજા મળતાં જ અમેરિકી નૌકાદળના સૈનિકોએ થાઇલેન્ડના વિશ્વપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ પટાયા ખાતે મજા માણી હોવાના વીડિયો શેર કરી રહ્યાં છે. યુએસએસ અબ્રાહમ લિંકન કેરિયર સ્ટ્રાઇક ગ્રુપના અંદાજે 5000 જેટલા સેલર્સ અને મરીન્સને થાઇલેન્ડમાં પાંચ દિવસની રજા આપવામાં આવી હતી. આ દરમિયાન સૈનિકોએ નાઇટ ક્લબ્સ, શેરીઓ અને સ્થાનિક પર્યટન સ્થળો પર જઈને મુક્તપણે રજાઓની મજા માણી હતી.
હાથીઓ સાથે સ્નાન અને પટાયાની કલરફુલ નાઇટલાઇફ
રજા દરમિયાન સૈનિકોના અનેક રસપ્રદ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. એક વાયરલ વીડિયોમાં 20 જેટલા સૈનિકો હાથીઓના સંવર્ધન કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ હાથીઓને ખોરાક ખવડાવ્યો હતો અને તેમની સાથે પાણીમાં ન્હાઈને થાઇલેન્ડની ગરમીથી રાહત મેળવી હતી. આ ઉપરાંત, રાત્રિના સમયે પટાયાની ફેમસ નાઇટલાઇફ અને સોઇ6 જેવા વિસ્તારોમાં સૈનિકોની ભારે ચહલપહલ જોવા મળી હતી. ક્લબ્સમાં મ્યુઝિકના તાલે ડાન્સ કરતા અને સ્થાનિક રેસ્ટોરન્ટ્સમાં મિત્રો સાથે સમય વિતાવતા સૈનિકોના દ્રશ્યો કેમેરામાં કેપ્ચર થયા હતા.
5 દિવસની મસ્તી બાદ સ્વદેશ તરફ રવાના
વધારે વિગતે વાત કરવામાં આવે તો 02 સપ્ટેમ્બરના જમ્બો નિમિત્ઝ-ક્લાસ એરક્રાફ્ટ કેરિયર યુએસએસ અબ્રાહમ લિંકન થાઇલેન્ડના લાએમ છાબાંગ બંદર પર લંગારાયું હતું. સ્થાનિક વેપારીઓ અને નાગરિકોએ પણ આ અમેરિકી સૈનિકોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
કમાન્ડિંગ ઓફિસર કેપ્ટન ડેન કીલરે થાઈલેન્ડના લોકોનો તેમના આતિથ્ય બદલ આભાર માન્યો અને બંદરની મુલાકાતને ખૂબ જ ખાસ ગણાવી હતી. 6 સપ્ટેમ્બરના પાંચ દિવસીય રજા પૂર્ણ થતાં તમામ સૈનિકો સમયસર પોતાના જહાજ પર પરત ફર્યા હતા અને સવારે 11 વાગ્યે આ એરક્રાફ્ટ કેરિયર વતન તરફ રવાના થયું હતું.