Tue Oct 06 2026

Logo

થરાદ-ડીસા હાઈવે પર કારની આડે અચાનક આખલો આવતા રાજકોટના બે યુવકોના કમકમાટીભર્યા મોત

2026-09-27 22:29:05
Author: Devayat Khatana
થરાદ-ડીસા હાઈવે પર કારની આડે અચાનક આખલો આવતા રાજકોટના બે યુવકોના કમકમાટીભર્યા મોત

અમદાવાદઃ રખડતા ઢોરની સમસ્યા માત્ર શહેરોની ગલીઓ નહીં પણ બે રાજ્યને જોડતા હાઈ વે પર પણ છે. આવી જ એક ઘટનામાં આખલો આડો આવતા થયેલા ભયાનક અકસ્માતમાં રાજકોટના બે યુવકના મોત થયા હતા જ્યારે એકને ગંભીર ઈજા થઈ હતી. રવિવારે વહેલી સવારે રાજકોટથી રાજસ્થાન તરફ પોતાની ફોર વ્હીલરમાં જઈ રહેલા ત્રણ મિત્રની કારની આડે થરાદ-ડીસા હાઈ વેના માલુપર પાસે આખલો આવ્યો હતો. તેના લીધે કાર સીધી ડિવાઈડર સાથે અથડાઈ હતી અને કારના ટૂકડે ટૂકડા થયા હતા. 

આસપાસથી દોડી આવેલા લોકોએ તાત્કાલિક 108ને જાણ કરી હતી. તબીબી તપાસ દરમિયાન અમરેલીના દિવયજીત અને રાજકોટના યુવરાજસિંહને મૃત જાહેર કરાયા હતા, જ્યારે રાજકોટના હરદીપસિંહ નામના એક યુવકની સારવાર ચાલી રહી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. આ મામલે બનાસકાંઠાના કૉંગ્રેસ જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમૃતસર-જામનગર હાઈ-વે પર પશુઓને લીધે અકસ્માત નહીં સર્જાય તેવી ખાતરી આપવામાં આવી હતી. જોકે સુરક્ષાનો અભાવ અહીં છે. વાહનચાલકો પાસેથી નાણા વસૂલાય છે, પરંતુ તેમને સુવિધાઓ મળતી નથી.

રવિવારના રોજ રાજયમાં અકસ્માતના બનાવોનો સિલસિલો રહ્યો હતો. થરાદ સિવાય રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં રવિવારે એક ગોઝારો માર્ગ અકસ્માત સર્જાતા સમગ્ર પંથકમાં ભારે શોક છવાઈ ગયો હતો. ગોંડલ તાલુકાના ઘોઘાવદર અને રામોદ ગામ વચ્ચે પુરપાટ ઝડપે આવી રહેલી એક કારે સામેથી આવી રહેલા એક્ટિવા વાહનને જોરદાર ટક્કર મારતા આ દુર્ઘટના ઘટી હતી. આ ભીષણ ટક્કર એટલી ગંભીર હતી કે એક્ટિવા પર સવાર એક જ પરિવારના ત્રણ સભ્યો રસ્તા પર ફંગોળાઈ ગયા હતા અને તેમને ગંભીર ઇજાઓ થવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં.

મૃતકોની પ્રાથમિક વિગતો મુજબ, અનિડા ભાલોડી ગામમાં રહેતા જયેશભાઈ કરશનભાઈ બગડા (ઉં.વ. 40), તેમના પત્ની શાંતુબેન (ઉં.વ. 36) અને 13 વર્ષીય પુત્ર વ્રજ પોતાના વાહન પર સવાર થઈને કોઈ અંગત કારણથી બહાર જઈ રહ્યા હતા. આ દરમિયાન રોડ પર પૂરઝડપે દોડી રહેલી કારના ચાલકે કાબૂ ગુમાવતા આ ગમખ્વાર ટક્કર થઈ હતી. પરિવારના મોભી અને પત્ની સાથે માસૂમ પુત્રના આ રીતે અચાનક ચાલ્યા જવાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.