Fri Oct 02 2026

Logo

95.7 ટકા મળવા છતાં પસંદગીની ઈન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ ન મળતાં વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું

2026-09-08 19:51:08
Author: Yogesh C. Patel
95.7 ટકા મળવા છતાં પસંદગીની ઈન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ ન મળતાં વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું

પ્રતીકાત્મક તસવીર


થાણે: બારમા ધોરણમાં સાયન્સમાં 95.7 ટકા માર્ક્સ મેળવવા છતાં પસંદગીની ઈન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ ન મળતાં થાણેના 17 વર્ષના વિદ્યાર્થીએ બિલ્ડિંગના બાવીસમા માળેથી ઝંપલાવી કથિત આત્મહત્યા કરી હતી.પોલીસના જણાવ્યા મુજબ વિદ્યાર્થી પરિવાર સાથે થાણેના ઘોડબંદર રોડ પરના હિરાનંદાની કોમ્પ્લેક્સમાં રહેતો હતો. આત્મહત્યા પહેલાં તેણે ફૅમિલીના વૉટ્સઍપ ગ્રૂપમાં અંતિમ પગલું ભરવા સંદર્ભેનો મેસેજ પણ પોસ્ટ કર્યો હતો.

જોકે કોઈ સમજાવે તે પહેલાં જ ટીનએજરે ઈમારતના બાવીસમા માળે આવેલા રેફ્યૂજી એરિયામાંથી ચોથી સપ્ટેમ્બરે કૂદકો માર્યો હતો. આ ઘટના અંગે વિદ્યાર્થીના વડીલોએ કોઈ શંકા વ્યક્ત કરી નહોતી. શૈક્ષણિક તાણને કારણે જ તેણે અંતિમ પગલું ભર્યું હોવાનું પરિવારજનોનું કહેવું છે, એવું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.વિદ્યાર્થી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ એન્જિનિયરિંગ સાયન્સ ઍન્ડ ટેક્નોલૉજી (આઈઆઈઈએસટી), શિબપુર (કોલકતા)માં બીએસ-એમએસ ડ્યુઅલ ડિગ્રી કરવા માગતો હતો. જોકે એપ્ટિટ્યુડ ટેસ્ટમાં તેનું રેન્કિંગ 10,474 આવતાં પ્રવેશ મળી શક્યો નહોતો. પરિણામે તે હતાશ થઈ ગયો હતો.

ચોથી સપ્ટેમ્બરની સાંજે 7.30 વાગ્યે સાઈકલિંગ માટે જઈ રહ્યો હોવાનું પરિવારને કહીને તે ઘરેથી નીકળ્યો હતો. રાતે 8.15 વાગ્યાની આસપાસ તેણે જીવનનો અંત લાવવા સંદર્ભેનો મેસેજ ફૅમિલી ગ્રૂપમાં મૂક્યો હતો. પછી તેણે ફોન સ્વિચ ઑફ્ફ કરી દીધો હતો. આ અંગે પરિવારે તાત્કાલિક કાસારવડવલી પોલીસને જાણ કરી હતી.પોલીસ અને પરિવારના સભ્યોએ શોધખોળ શરૂ કરતાં ટીનએજર તેની ઈમારત પાસેની એક ફૂટપાથ પર જખમી અવસ્થામાં મળી આવ્યો હતો. થાણેની પાલિકા સંચાલિત હૉસ્પિટલમાં લઈ જવાયેલા ટીનએજરને તબીબે મૃત જાહેર કર્યો હતો. આ મામલે પોલીસે એડીઆર નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. (પીટીઆઈ)