Tue Oct 06 2026

Logo

વર્તમાન નાણાકીય વર્ષમાં ગત 21 સપ્ટેમ્બર સુધી નિકાસમાં 15 ટકાનો વધારો

2026-09-29 19:19:03
Author: Ramesh Gohil
વર્તમાન નાણાકીય વર્ષમાં ગત 21 સપ્ટેમ્બર સુધી નિકાસમાં 15 ટકાનો વધારો

નવી દિલ્હીઃ મધ્ય પૂર્વમાં યુદ્ધને કારણે વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતાના પડકારો છતાં વર્તમાન નાણાકીય વર્ષમાં ગત 21મી સપ્ટેમ્બર સુધીમાં દેશની મર્કન્ડાઈઝ નિકાસમાં 15 ટકા જેટલી વૃદ્ધિ થઈ હોવાનું વાણિજ્ય અને ઉદ્યોગ ખાતાના પ્રધાન પીયૂષ ગોયલે તાજેતરમાં જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે ગત સોમવારે યોજાયેલી રોકાણ પરની 14મી ભારત-યુએઈ ટાસ્ક ફોર્સની બેઠક પશ્ચાત્‌‍ પત્રકાર વર્તુળોને જણાવ્યું હતું કે સીધા વિદેશી રોકાણના સ્રોતમાં ભારત સાતમો ક્રમાંક ધરાવે છે અને આગામી નજીકના ભવિષ્યમાં 25 અબજ ડૉલરનું રોકાણ મેળવે તેવી શક્યતા હોવાથી વર્ષ દરમિયાન 100 અબજ ડૉલરનું રોકાણનો લક્ષ્યાંક હાંસલ થશે.

વર્તમાન નાણાકીય વર્ષના પહેલા છ મહિનામાં (21મી સપ્ટેમ્બર સુધીમાં) આપણી મર્કન્ડાઈઝ નિકાસ 15 ટકા વધી છે. નોંધનીય બાબત એ છે કે આ સમયગાળામાં એક તરફ રશિયા અને યુક્રેન અને અમેરિકા-ઈરાન વચ્ચે એમ બે યુદ્ધો ચાલી રહ્યા છે અને મુખ્ય દરિયાઈ માર્ગ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દબાણ હેઠળ છે એવા સંજોગોમાં નિકાસ વૃદ્ધિ જોવા મળી હોવાનું તેમણે ઉમેર્યું હતું. વર્તમાન નાણાકીય વર્ષમાં ગત એપ્રિલથી ઑગસ્ટ દરમિયાન નિકાસ 17.85 ટકા વધીને 215.91 અબજ ડૉલરની સપાટીએ અને આયાત 18.21 ટકા વધીને 363 અબજ ડૉલરની સપાટીએ રહી હતી. ઉલ્લેખનીય બાબત એ છે કે એપ્રિલથી સપ્ટેમ્બર સુધીની આયાત-નિકાસના અધિકૃત આંકડાની જાહેરાત ઑક્ટોબર મહિનાના મધ્યમાં જાહેરાત થશે. 

તાજેતરમાં ભારતે કરેલા મુક્ત વેપાર કરાર નિકાસ વૃદ્ધિમાં મદદરૂપ થયા છે. આ કરારને કારણે ખાસ કરીને ઑટોમોબાઈલ ઉદ્યોગને ટેકો મળ્યો છે અને નિકાસ વૃદ્ધિદર દ્વિઅંકી સંખ્યામાં પહોંચ્યો છે. અલબત્ત મારુતિએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેઓએ જાપાન ખાતે એક લાખ કારની નિકાસ કરી છે. અગાઉ એક સમય હતો કે જાપાનની કાર ભારત આવી રહી હતી અને આપણે સ્થાનિક ઉદ્યોગની સલામતી માટે વિચારણા કરી રહ્યા હતા, પરંતુ હવે ભારત ઑટોમોબાઈલનો ચોખ્ખો નિકાસકાર દેશ બન્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું. 

વધુમાં તેમણે જણાવ્યું હતું કે વાણિજ્ય મંત્રાલય વર્તમાન નાણાકીય વર્ષમાં ગુડ્સ અને સર્વિસીસ નિકાસની નિકાસ આગલા નાણાકીય વર્ષના 863 અબજ ડૉલર સામે વધીને એક ટ્રિલ્યન સુધી પહોંચે તેવો લક્ષ્યાંક રાખી રહ્યું છે. જોકે, આ લક્ષ્યાંક મોટો છે અને સરળ પણ નથી, પરંતુ અમે આ દિશામાં નિકાસકારો સાથે કાર્ય કરી રહ્યા છીએ, એમ તેમણે ઉમેર્યું હતું.