Tue Oct 06 2026

Logo

ડૉલર સામે રૂપિયો સત્ર દરમિયાન 96.15ની સપાટી સુધી ગબડ્યો

2026-09-29 19:25:26
Author: Ramesh Gohil
ડૉલર સામે રૂપિયો સત્ર દરમિયાન 96.15ની સપાટી સુધી ગબડ્યો

રિઝર્વ બૅન્કના સંભવિત હસ્તક્ષેપે અંતે ત્રણ પૈસાનો સુધારો 

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)


મુંબઈઃ સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે માસાન્તને કારણે ડૉલરમાં આયાતકારોની લેવાલી પ્રબળ રહેતાં સત્ર દરમિયાન ડૉલર સામે રૂપિયો એક તબક્કે 18 પૈસા ગબડીને 96.15ની સપાટી સુધી નબળો પડ્યો હતો. જોકે, અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો થવાના આશાવાદ સાથે વૈશ્વિક બજારમાં બે્રન્ટ ક્રૂડ તેલના ભાવમાં વધ્યા મથાળેથી જોવા મળેલા સાધારણ ઘટાડા ઉપરાંત સંભવિતપણે રિઝર્વ બૅન્કનો બજારમાં હસ્તક્ષેપ રહેતાં સત્રના અંતે ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે સાધારણ ત્રણ પૈસાના સુધારા સાથે 95.94ની સપાટીએ બંધ રહ્યો હતો.  

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 95.95ના બંધ સામે 96.03ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 96.15 અને ઉપરમાં 95.94ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે ત્રણ પૈસાના સુધારા સાથે 95.94ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયાએ છેલ્લા બે સપ્તાહમાં બીજી વખત સત્ર દરમિયાન 96ની સપાટી કુદાવી હતી અને અંતે બાવીસ પૈસાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો.

વૈશ્વિક સ્તરે જોખમી પરિબળોમાં થયેલા વધારા સાથે ક્રૂડ તેલના ભાવમાં વધારો, ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો દબાણ હેઠળ રહે તેવી શક્યતા મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ વ્યક્ત કરી હતી. 

દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.24 ટકા વધીને 101.44 આસપાસ અને બે્રન્ટ ક્રૂડ તેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે સાધારણ 0.4 ટકાના ઘટાડા સાથે બેરલદીઠ 106.86 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ઘટાડાતરફી વલણ જળવાઈ રહેતાં આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 242.65 પૉઈન્ટનો અને 64.05 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 5353.22 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.