થાણે: થાણે જિલ્લામાં મંગળવારે અગ્નિતાંડવ જોવા મળ્યું હતું. થાણેના ઘોડબંદરમાં માનપાડા વિસ્તારમાં મંગળવારે રાતના ચાર ગાળામાં ભીષણ આગ લાગી હતી. તો ભિવંડીમાં તેલના ગોડાઉનમાં આગ લાગીને ટાંકીમાં સ્ફોટ થયો હતો. સદ્સનીબે બંને દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી પણ આગની દુર્ધટનાને કારણે સ્થાનિકોમાં ભય વ્યાપી ગયો હતો.
ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ પહેલી ઘટના ભિવંડીના ખાડીપાર વિસ્તારમાં મૂલચંદ કમ્પાઉન્ડમાં બની હતી. આ કમ્પાઉન્ડમાં તેના ગોદામ આવેલા છે. ગોદામમાં તેલનો મોટા પ્રમાણમાં સ્ટોક હતો. તેમ જ કેમિકલથી ભરેલી ટાંકીઓ પણ હતી. આગ લાગ્યા બાદ ગોદામમાં સ્ફોટ થયો હતો અને આગને કારણે દૂર દૂર સુધી ધુમાડો ફેલાઈ ગયો હતો. ભિવંડી ફાયરબ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર નિયંત્રણ મેળવ્યું હતું પણ આગમાં ગોદામ બળીને ખાખ થઈ ગયું હતું.
બીજી ઘટના થાણેના ઘોડબંદરના માનપાડા પરિસરમાં મંગળવારે રાતના ૭.૪૯ વાગે બની હતી, જેમાં ચાર ગાળામાં અચાનક આગ લાગી હતી. ઘટના સ્થળે ફાયરબ્રિગેડે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ ત્રણ કલાકે રાતના લગભગ ૧૧.૧૦ વાગે આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. સદ્સનસીબે બંને દુર્ઘટનામાં કોઈ જખમી થયું નહોતું.