Tue Oct 06 2026

Logo

ટેક્સટાઇલ કંપનીના ડિરેક્ટરને કોન્ટ્રાક્ટ, લોન અપાવવાને બહાને 20.58 કરોડની છેતરપિંડી

2026-10-03 16:41:00
Author: Yogesh D. Patel
ટેક્સટાઇલ કંપનીના ડિરેક્ટરને કોન્ટ્રાક્ટ, લોન અપાવવાને બહાને 20.58 કરોડની છેતરપિંડી

થાણે: થાણે જિલ્લામાં સરકારી શાળાઓ માટે યુનિફોર્મનો પુરવઠો કરવાનો કોન્ટ્રાક્ટ અને ફેક્ટરીના વિસ્તરણ માટે લોનની વ્યવસ્થા કરી આપવાને બહાને ટેક્સટાઇલ કંપનીના ડિરેક્ટર સાથે 20.58 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી.

ચૂર ટેક્સટાઇલ્સ પ્રા. લિ.ના ડિરેક્ટર તુષાર પ્રેમચંદ ગોસારાનીની ફરિયાદને આધારે કોનગાવ પોલીસે છેતરપિંડી અને ફોજદારી કાવતરાનો ગુનો દાખલ કર્યો હતો. 2020થી ડિસેમ્બર, 2025 દરમિયાન આ છેતરપિંડી આચરવામાં આવી હતી.

ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે આરોપી અનુભવ મિત્તલ, રજની મિત્તલ, રાજેશ કુમાર, અફસર અલી અને તેમના સાથીદારોએ ફેક્ટરીના વિસ્તરણ માટે નાણાકીય સહાની વ્યવસ્થા કરી આપવા અને રાજ્ય સરકારની શાળાઓમાં સ્કૂલ યુનિફોર્મનો પુરવઠો કરવાનો કોન્ટ્રાક્ટ મેળવી આપવાનું આશ્ર્વાસન આપીને છેતરપિંડી આચરી હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે લોન પ્રાપ્ત કરવા માટે ફરિયાદીએ આપેલા હસ્તાક્ષર સાથેના કોરા ચેક, લેટરહેડ અને સિક્યુરિટી ડોક્યુમેન્ટ્સનો આરોપીઓએ દુરુપયોગ કર્યો હતો અને 2.95 કરોડની રોકડ અને 17.63 કરોડ રૂપિયાની બૅંક ટ્રાન્સફર દ્વારા ઉચાપત કરી હતી. જોકે તેમણે લોન કે કોન્ટ્રાક્ટ ફરિયાદીને અપાવ્યો નહોતો.

કોનગાવ પોલીસે આ પ્રકરણે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ આદરી હોઇ હજી સુધી કોઇની પણ ધરપકડ કરવામાં આવી નથી, એમ અધિકારીએ કહ્યું હતું. (પીટીઆઇ)