Thu Apr 23 2026

Logo

માત્ર એસી જ નહીં આ ગેજેટ્સ પણ ગરમીમાં બની જશે ટાઈમ બોમ્બ, ગેજેટ્સને બ્લાસ્ટ થતા બચાવવા માટે ફોલો કરો આ ટીપ્સ

2026-04-22 21:56:26
Author: Darshana Visaria
Article Image

અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે અને ઉનાળાની કાળઝાળ ગરમી માત્ર આપણા સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ આપણા રોજિંદા વપરાશમાં લેવાતા ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ માટે પણ જોખમી સાબિત થઈ શકે છે. સ્માર્ટફોન, લેપટોપ, ફ્રીજ અને ઈન્વર્ટર જેવી વસ્તુઓ વધુ પડતી ગરમીને કારણે ખરાબ થઈ શકે છે અથવા મોટા અકસ્માતનું કારણ બની શકે છે. ચાલો જોઈએ કઈ રીતે આ ગેજેટ્સને ગરમીમાં કૂલ કૂલ રાખીને તમે મોટી દુર્ઘટનાને રોકી શકો છો...

ઉનાળામાં સતત વધતી જતી ગરમીને કારણે ઈલેક્ટ્રોનિક ઉપકરણો ઓવરહીટ થવાની સમસ્યા સામાન્ય છે, પરંતુ તેની અવગણના ભારે પડી શકે છે. આજે આપણે આ સ્ટોરીમાં જાણીશું કે કઈ રીતે તમે રોજબરોજના ઉપયોગમાં લેવાતા ગેજેટ્સને ગરમ થતાં અટકાવી શકો છો અને તેને ફાટતા રોકશો. 

સ્માર્ટફોન અને લેપટોપ: 
ગરમીમાં ભારે એપ્સ કે ગેમ્સ રમવાથી પ્રોસેસર પર દબાણ વધે છે. જો ફોન ગરમ થાય તો તેની બેટરી ફૂલી શકે છે અથવા તે સ્લો થઈ શકે છે. લેપટોપને હંમેશા સખત અને સપાટ સપાટી પર રાખો જેથી તેનું વેન્ટિલેશન જળવાઈ રહે. ચાર્જિંગ વખતે ફોનનો વપરાશ ટાળવો.

ફ્રીજ અને રેફ્રિજરેટર: 
ઉનાળામાં ફ્રીજ સતત ચાલતું હોવાથી તેના કોમ્પ્રેસર પર લોડ વધે છે. ફ્રીજની પાછળની કોઈલ્સ પર ધૂળ જમા ન થવા દો અને તેને દીવાલથી થોડું દૂર રાખો જેથી હવા ઉજાસ જળવાઈ રહે.

બેટરી અને ઇન્વર્ટર: 
ઈન્વર્ટર બેટરી ઓવરહીટ થવાથી તેમાંથી ગેસ લીકેજ કે આગ લાગવાની ઘટના બની શકે છે. બેટરીને હંમેશા ઠંડી અને હવા ઉજાસવાળી જગ્યાએ રાખો અને તેનું પાણી નિયમિત ચેક કરતા રહો.

ચાર્જિંગ વખતે સાવધાની: હંમેશા ઓરિજિનલ ચાર્જરનો જ ઉપયોગ કરો. ડિવાઈસને ચાર્જ કરતી વખતે તેને કપડા કે કવરથી ઢાંકશો નહીં, કારણ કે તેનાથી ગરમી બહાર નીકળી શકતી નથી.